બાળકાળ

બુદ્ધિ, બુદ્ધિચાતુર્ય, શાણપણ અને માનસિકતાને ઉંમર સાથે સંબંધ તો છે પણ એ સુરેખ નથી !

Continue reading “બાળકાળ”

Advertisements

શનિ – રવિ

આખાય સપ્તાહનાં કજીયાને શનિ રવિમાં પોરવી ,નવું ઉદ્યમી અઠવાડિયું જે ધારણ કરે છે એવાં માનવ તને નમસ્કાર હજો !


Continue reading “શનિ – રવિ”

એકડે એ..ક !

એકડા શીખવાની ઉંમરે ઠેકડા માર્યા , એટલે ચોપડીમાં નકરા ચેકડા માર્યા !


“માલવભાઇની પ્રગતિ ઘણી સરસ છે . ઈત્તર પ્રવૃત્તિમાં પણ સરસ દેખાવ છે . હવે આપનું બાળક પહેલાં ધોરણમાં પ્રવેશ લેશે , અભિનંદન .” બાલમંદિરનાં પ્રગતિ પત્રકમાં લીલા મીસે લાલ અક્ષરે લખેલું આ લખાણ હજું યાદ છે . હું જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશ્યો ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકનાં વર્ગો બપોર થી શરૂ થતાં , લગભગ બારેક વાગે . એ મારો છૂટવાનો ટાઈમ ! નાનપણમાં મારો સ્વભાવ મસ્તીખોર નહી પણ ચંચળ બહુ હતો. બધું અડ – અડ કર્યા કરવાની જબરી ટેવ . એ આદત કદાચ હજુ પણ હશે છતાં હવે એમાં ગંભીરતા અને તર્ક ભળ્યા હોય મુશ્કેલી ઓછી પડે છે .

અમારે બાલમંદિરમાં ચિત્ર , રમત , લેખન અને વાંચન એમ બધીય પ્રવૃત્તિ કરાવતાં . લેખન માટે એક નાનકડી નોટબુક , એક પેન્સિલ , એક રબર – સંચાની જોડી અને એક મજાનો કંપાસ હતો . આછું પાતળું યાદ છે ત્યાં સુધી એ પહેલો દીવસ હશે બાલમંદીરનો . લીલામીસ બોર્ડ ઉપર કાંઈક લખતાં હતાં . થોડુ લખ્યાં પછી એમણે કહ્યુ કે તમારે પણ બેસી નથી રહેવાનું . લખો . અમે લખવાનું શરૂ કર્યું . આખુ બોર્ડ જોતજોતામાં એમણે ભરી મૂક્યું . બોર્ડ ઉપરથી ઉતારવાનો એ પહેલો અનુભવ અને પ્રયત્ન હતો . એટલે અઘરું પડતું હતું . કારણકે ત્યાં સુધી પાટીમાં જ લખતાં હોઇએ . થોડી વાર રાહ જોઇ એમણે . મેં બધુ લખી નાખ્યું અને વાતાવરણમાં એક વિજયી સ્મિત વહેતું કરી નાખ્યું . થોડીવાર રહીને એ બધુ ભૂસવા માંડ્યા . મને આશ્ચર્ય થયું . મને થયુ આ ભૂંસે છે કેમ આ !? પણ જાજુ વિચાર્યા વગર હું પણ મારુ રબર કાઢીને નોટબુકમાંથી ભૂંસવાં ચોંટી પડ્યો બધું . મેં અને મીસે બધું લખેલું ભૂંસી કાઢ્યું . ઘરે આવીને મમ્મીએ લખેલાં ખરાબ અક્ષર અને ખરાબ ભૂંસેલું જોયું . એની પછી સમજાણુ કે શિક્ષક તો નવું લખવા જૂનું ભૂંસે , આપણે નહીં ભૂંસવાંનુ . આપણે પાનું ફેરવીને લખવા માંડવાનુ .

આમ બાલમંદિરમાં બે વર્ષ કરીને પ્રગતિપત્રકમાં છ સ્ટાર લઈ હું પહેલાં ધોરણમાં પહોંચ્યો . એ ઉત્સાહ અનન્ય હતો . કારણકે મોટા બિલ્ડીંગમાં ભણવાનું . નવો જ સ્કુલ ડ્રેસ આવે સાવ . બેલ્ટ , ટાઈ , ધોળા શર્ટમાં રાખોડી ચોકઠાં ને નીચે એ જ રાખોડી ચડ્ડી (ગોઠણ સુધીની ) અને કાળા બુટ – ધોળા મોજા હોય જ . પહેલે દિવસે ભરત ભાઈની રીક્ષા આવી , ત્યાં ગયા અને ક્લાસ પણ ફાળવવામાં આવ્યો . ઘણો મોટો ક્લાસ હતો એ . આગળ જતાં એ કલાસને સ્ટાફરૂમ બનાવેલો ! બહું બધાં જાણીતાં અને અજાણ્યા ચહેરા હતાં . એ દિવસે હું ઘરે પાછો આવીને રડ્યો હતો . ઘરે પુછ્યું તો મેં કહ્યું , “હું તો ખાલી બેન્ચ ઉપર પગ ચડાવીને બેઠો હતો ,એમાં મને ઉભો કર્યો , ખીજાણા અને દીવાલ બાજું મોં રાખી ઉભો રાખ્યો” . “પિરિયડ ચાલુ હતો ?” મને પુછ્યું . “હા” મે કહ્યુ . “તો તો ખીજાય જ ને !” એમ કહી હસવા લાગ્યાં ઘરમાં . ઘરની જેમ બીજે ક્યાંય નહીં ઘરે જ રહેવાય એ શીખ્યો ત્યારે હું . પ્રોફેશનલ જીવન તરફ પહેલું પગથિયું માંડી દીધું હતું મેં .

નાનપણથી ખાવાનો હું શોખીન . ખાવાં વધારે નહી વારે વારે જોઈતું હોય મારે . સ્કુલમાં ખાવા હંમેશા નાસ્તાનો ડબ્બો આપતી મમ્મી મને . પણ મને હંમેશા એ ઓછું જ લાગતું . એટલે મોટા ડબ્બા ને વધારે નાસ્તાની હું સતત માંગણી કરુ . એવાં સમયે ઘરેથી એક જ જવાબ મળે , “નાસ્તો છે ,જમવાનું નહી .” આ નાસ્તા અને જમવાનાં પ્રમાણને વર્ગીકૃત કરવામાં હું ભૂખ્યો રહી જતો . આ માટે આવી તત્ક્ષણ ભુખને તૃપ્ત કરવાં પહેલાં પાટીનો પેન ખાતો અને પેન્સિલ આવ્યાં પછી ચેકરબર આખેઆખું ધીરે ધીરે કરીને ખાઈ જતો હું . હું અને ભાઈ એક જ રીક્ષામાં આવતાં અને જતાં . બન્યુ એવું કે છેલ્લાં તાસમાં અમારાં શિક્ષિકાબહેને અમને ગૃહકાર્ય આપ્યું . બોર્ડ ઉપરથી એ રોજનીશીમાં ઉતારી લેવા એમણે કહ્યું . વળી એ જ દિવસે ખાતાં ખાતાંં હું મારું આખું ચેકરબર ઓહીયા કરી ગયેલો . પહેલાં ધોરણનો જ એ ક્લાસ . હું લખતો હતો એવાંમાં મેં કાંઇક ભુલ કરી એટલે રબરથી ભૂંસવાંનું એવી સામાન્ય સમજ હોય ! પણ રબર તો ક્યાંથી હોય ? હું મુંજાયો . હવે કરવું શું ? બેલ પડ્યો . ક્લાસ છુટી ગ્યો ને હું વિચાર્યા કરુ કે આ ભૂંસીને લખવું કેમ હવે ? હવ તો પેલાં હાઇસ્કુલ વાળા પણ ક્લાસમાં આવી ગયા . છતાં એટલું દિમાગ ન ચાલે કે પેન્સિલથી છેકો મારી આગળ લખવા મંડાય ; પણ નહીં , ગો થ્રૂ પ્રોસેસ – પહેલાં ભૂસવાંનું પછી લખવાનું ! પછી કોઈક ભગવાનનું માણસ પેલાં મોટાં મોટા વિદ્યાર્થીમાંથી આવ્યું , મેં તેને મારી મૂંઝવણ જણાવી એણે મને પેલું મોટુ અપ્સરાનું રબર આપ્યું . મેં છેકીને લખ્યું અને ક્લાસ છોડ્યો . પણ રીક્ષા કાંઇ રાહ થોડી જોતી હોય આપણી , એ તો જતી રહે . મને ચોકીદારે મારુ મોઢું જોઈને જ પુછ્યું હશે કે શું થયું ! એમણે મને સાઇકલ આગળની એક્સટેન્શન વાળી સીટ પર બેસાડ્યો અને નીકળી પડ્યાં . રીક્ષામાં તો ધ્યાન હંમેશા મજાકમાં જ હોય એટલે આમ રસ્તો ખબર પણ આત્મવિશ્વાસ નહીં . છેવટે એને અને મને મારુ ઘર જડ્યું અને હું સાંગોપાંગ ઘરે પહોંચ્યો . બાળક સમય કરતાં મોડું આવે , રીક્ષામાં બે ને બદલે એક જ સંપેતરું પાછુ આવે ત્યારે ઘરનાં લોકની શું સ્થિતી હોય એ હવે સમજાય છે મને . ત્યારબાદ મેં મોઢામાં એકપણ અખાદ્ય ચીજ નાખી નથી .

આમ જયાં સુધી આપણે એક ઉંમરે શીખવી પડતી ચીજ ન શીખીએ ત્યાં સુધી કુદરત એ એકડો ઘૂંટાવ્યા જ કરે . મારુ હંમેશાં એવું માનવું રહ્યુ છે કે , કોઈ પણ વસ્તુ , વ્યક્તિ કે વૈભવ મેળવવા કે આપણી વાત મનાવવા ને સમજાવવા હવાતિયાં ન મારવા . હા પ્રયત્ન કરવો જ , બ્લડ ને સ્વેટ વાળો કરવો . પણ આ કુદરત પાસે હંમેશાં કાંઇક સારુ , સાચું અને વધું સુદ્રઢ ગોઠવેલું છે એવો વિશ્વાસ રાખવો . એક તકલીફમાંથી શીખવાનું શીખશો નહીં તો કોઈનાં કોઈ રૂપે એ એકડો ઘૂંટવાં તૈયાર જ રહેજો . મમત્વ અને મત નો ભેદ વહેલી તકે સમજી જવો જરુરી છે . અપરિગ્રહી રહેવું મને આ બાબતે ઉપયોગી નીવડેલ છે !

જીંદગી પુરી નથી થતી અહીંયા વ્હાલા , એકડા પછી બગડે બે…ય એમ બગડો ઘૂંટાવશે આ કુદરત !

ઓલ ધી બેસ્ટ .

तोहार लक तोहार हाथ में हैं भईया !

– માલવ

વસમી રાત

માનસિક વિકારો અને વિચારોને ઓપ આપવાનો ઉત્તમ સમય રાત છે !


નાનપણથી જ હું એકલાં રહેતાં શીખી ગયેલો છું . એકલતા બહું કોરી ખાય એવું નહીં પણ કંટાળો આવે અને સખત કાંટાળો લાગે . વેકેશનમાં તો જાણે કંટાળો કોઈ દેવતા હોય અને આપણે ‘ શું કરવું-શું કરવું ‘નાં રટણથી ભજતાં હોઇએ એમ લાગે ! અમદાવાદની જાણીતી કૉલેજમાં એડ્મીશન મળ્યે ત્યાં રહેવાં – રહેઠાણની બહું ચિંતા કર્યા વગર અમે સહ પરિવાર કાશ્મીર નીકળી પડ્યાં (આ કાશ્મીર મુદ્દો એ પણ બ્લોગનો મુદ્દો છે , યાદ કરાવજો. ) .

અમે પાછા આવ્યાં ત્યારે કૉલેજ અઠવાડિયા પહેલાં જ શરુ થઈ ચૂકેલી . રહેવાની ચિંતા ખાસ એટલાં માટે ન હોય કારણકે ફઈનાં ઘર ત્યાં . આ ઉપરાંત બીજા અસંખ્ય ઓળખીતા રહે . ઉષા ફઈનાં ઘરે રહ્યો હું થોડા દીવસ , એ અને ફૂઆ બન્ને બહું હેતથી રાખે મને . પછી હોસ્ટેલ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા સૌએ . મમ્મી પપ્પા પણ આવી ગયા . બહું બધી જગ્યાએ આનાકાની કરી મેં , ક્યાંય મેળ પડે નહીં ! એવાંમાં એક મોંઘુ પી.જી. અમે જોવા ગયા . કોઈ પણ જાતનાં ગેસ્ટની વ્યાખ્યામાં બંધ ન બેસે એવાં ધંધાદારી પેઈંગ ગેસ્ટની સુ(દુ)વિધા મને પસંદ પડી .

એમની ઓફીસ એક સરસ મજાની જગ્યા ઉપર ભારે ફુરસદથી બનાવેલી હતી . અંદર બેશક એસી . કાચનો દરવાજો . બે કાટખૂણે મુકેલ સોફા અને ઉપર એમનાં પીજીને મળેલ એવોર્ડ્સ . સામે ચાનું મશીન ને બાજુમાં મોટું ટેબલ . એમની પાછળ મોટી આરામ ખુરશી બે . એ બે ખુરશી પર માલિક પતિ પત્ની આરામ ફરમાવે . એક પાછી ક્લાર્ક પણ હોય એમને . એમની ઉપર ગર્લ્સ પીજી . એમની સીસીટીવી ફૂટેજ દેખાડતું એલસીડી ત્યાં હતુ . અંદર દાખલ થતાં ઠંડા પાણીનાં ગ્લાસ આવી ગયા . એ બન્ને જણ એમનાં ચોપાનીયાં ખોલીને એમની સુવિધાઓ અમને ગણાવા લાગ્યા . બે ટાઈમ જમવાનું , કપડા , સફાઇ , ટીવી , ફલાણુ , ઢીંકણુ આ , તે બધું જ . ઓલો જણ સુવિધા સમજાવે અને એની ઘરવાળી મીઠુ મીઠુ બોલી મોહિત કરવા પ્રયત્ન કરે . અમે સહું ધીરે ધીરે એ ચુંગાલમાં ફસાતા જતા હતાં . એમણે એમનાં બાંધકામ ચાલુ હોય એવાં મકાનનાં રુમ બતાવ્યા . થોડા ગમ્યા . થોડુ વિચાર્યા બાદ એની માર્કેટિંગ સ્કીલનો વિજય થયો અને હા પડી .

અંતે એ દીવસ આવ્યો કે મારે ફઈનાં ઘરેથી ત્યાં જવાનું હતું . એ દિવસે રથયાત્રા હતી મને હજી યાદ છે . સવારમાં મને મુકુલ ફૂઆ , નીરૂ ફઈ , સંકેત ભાઈ , મુંજાલ ભાઇ મુકવા આવેલા . એ લોકો ગયા ને બસ્સ કસોટી શરુ. એક તો એમનું બાંધકામ હજી પુરુ નહોતું થયું એટલે મજૂર વર્ગ નીચે સતત કાંક કાંક કર્યા કરતો હોય . આખા પીજીમાં પીવાનાં પાણીની કોઈ વ્યવસ્થા નહીં . ટીવી હતુ પણ ચાલે નહીં . વાઇફાઇમાં તો આશા જ શેની હોય ? ટીવી શરુ થયુ તો રિમોટ ન ચાલે . એ જે રુમમાં હોય ત્યાં પંખો ન ચાલે . રુમમાં તો પગ ન મુકી શકાય એટલો ગંદો . ગરમ પાણી ન આવે બાથરૂમમાં . અને સૌથી મોટી વાત એ કે હુ સાવ એકલો . એ પંદર સોળ રૂમમાં કોઈ નહીં . હુ એકલો . કંટાળાને પૂજતા પૂજતા બપોર કાઢી મેં આંટા મારી ને ! રસ્તામાં માત્ર આસક્તિને પોષવા આઈસક્રીમ ખાધો . હવે ધીરે ધીરે સાંજ ઢળતી હતી . કોઈ જ જાતનો સન્નાટો નહોતો કારણકે વિસ્તાર જ એવો હતો . પણ છતાંય ત્યાં ભેદી શાંતિ હતી . આસમાનમાં કશુંક ગેબી ચર્ચાય રહ્યુ એમ લાગતું હતું . રાતે જમીને સાવ નીચે એક નામનો કેર ટેકર આવીને સુઈ ગયેલો . હું ઉપર રૂમમાં . એકલા રહેવાનો અનુભવ હતો પણ એકલાં પડી જવાનો આ પહેલો અનુભવ હતો . અજીબ બેચેની થયાં કરે . ઉંઘ ન આવે . આળોટ્યા કરીએ . પડખાં આમથી તેમ ફર્યા કરે . એ વખતે જીઓ મારા સુધી પહોંચ્યું નહોતું એટલે નેટનો વપરાશ પણ ઠીક ઠીક માત્રામાં જ થઈ શકે . અજીબ વિચારો આવે જેમ કે , આ પીલર પડે તો ? બારીમાંથી આવી જાય તો કોઈ ? વગેરે . ઓછા વાંચનને કારણે આ હોઇ શકે ! મગજ શાંત રાખતાં ન શીખ્યા હોય ને ? પછી તો વિચારો ને વિચારોમાં ઉંઘ આવી ગઈ ક્યારેક ને પડી જ ગઈ સવાર . એ રાત નહી ભુલાય ક્યારેય .

રોજ શ્વાસ લઇ શકાય છે , ચાલી , દોડી , રમી , ખાઈ , જોઈ શકાય છે એવી બધી બીનાનો આપણે આભાર માનવાંનું ચૂકી જઈએ છીએ . એની પ્રાર્થના જ અભય બનાવે . અભય આત્મવિશ્વાસ આપે . આત્મવિશ્વાસ હિંમત અને હિંમત પ્રેરણા . બધાં દિવસો સરખાં નથી હોતા કારણકે આપણે સખણા નથી હોતાં . એ જ સારુ છે ! આપણું અસ્તિત્વ ક્ષુલ્લક જ છે , એટલે હયાતી પણ હોય એમ ન માનવું . દરેક રાત પછી સવાર જ થાય છે એમ માની રાતે સુઈ જાવું . ગમ્મે તેં એક ભગવાનનું સ્મરણ કરી સુવું . નાસ્તિક હો તો પોતાનું નામ લઈ સુઈ જવું !

-માલવ

રાતની નીરવતા સૌને ઉત્પાત નહી ઉન્માદ બક્ષે એવી પ્રાર્થના !

પાકીનોટ

જેની પાકીનોટ એય રફનોટ જેવી લાગે એને જ સર્વસમભાવ અને સર્વસ્વીકૃતી સૂઝી શકે ! ( LOl )

.

હું અને ભાઈ અભિ એક જ શાળામાં ભણેલા . ઘરમાં વ્યાજબી એવું કડક તથા સ્કુલનું તેની કેથલિક શિસ્તવાળું વાતાવરણ અમારાં માનસ ઉપર ખાસ્સું અસર કરી રહ્યું હતું . મારા માટે ભણવું જ સૌથી મોટી ઘાત રહેતી . મને રીતસર ભણવા બેસાડવો પડતો . એ સમયથી જ હું પરીક્ષાનાં આગલા દિવસે જ વાંચતો આવ્યો છું . એથી ય વિશેષ નાના ધોરણમાં તો કૃતિને ફોન કરી ગૃહકાર્ય પૂછવું પડતું કારણ કે મારાં અક્ષર લગીરે ય સુવાચ્ય હોય નહીં ! સ્કુલે તો મિત્રોને મળવા – રમવા જ જતો હું . અને હું રમતો જ .

અભિ ત્યાં તેજસ્વી વિદ્યાર્થીઓમાંનો એક . મારી છાપ શિક્ષકો પાસે ‘અભિષેકનો ભાઈ ‘ એવી જ . એણે બનાવેલી શાખ મારે પણ જાળવી રાખવી એમ હતું મને . હું પણ શિષ્ટાચાર આદરતો આ હેતુથી . પણ એ લેશન ને પાકિનોટ બનાવવી – એ બધુ મારાથી થતું નહીં . ઘરે આવીને દફતરનો ઉલાળીયો ને બીજા દિવસે ઈનું ઈ લઇને રીક્ષામાં ચડી જવાનું ! મને યાદ છે હું સ્કૂલે જઈને પહેલા આકાશને પૂછતો કે આજ કાંઇ લેસન હતું કે કેમ ? જો હોય તો અન્ય તાસમાં પુરુ કરવું પડતું ! ધોરણ છ પછી આ પાક્કા મિત્રો : આકાશ , દર્શન , ચેઝીલ , કૃતિ બધાં અલગ સ્કુલમાં ગયા અને પછી છુટી ગયા !

ત્યારબાદ અમારાં ધોરણમાં એક છોકરો ભણતો અનિલ . એ મસ્તીખોર અને તોફાની. એ ઇ જ સ્કુલમાં ભણાવતા શિક્ષક નો દિકરો હતો. એની સાથે મિત્રતા સારી હતી મારી . એ સમયે ત્યાંનાં સિસ્ટર અમને ગુજરાતી ભણાવવા આવતાં . એમને ખાસ આવડતું નહી એવું લાગતું મને . ખાલી પાઠ વાંચી જાય એટલું . એ જ શિક્ષક પાછા પહેલાંનાં ધોરણમાં સમાજવિદ્યા ભણાવી ચૂકેલા .

એ મને નામથી ઓળખે . “સ્વાધ્યાય પાકીનોટમાં લખી રાખવા હું એકસાથે ચેક કરીશ ” એ શિક્ષકોનું હથિયાર બનીને રહેતું . આપણે તો માંગે નહી ત્યાં સુધી અક્ષર પણ માંડ્યો ન હોય ! પરીક્ષાનો સમય નજીક આવતાં એમણે પાંચ-છ પાઠ પછી નવા પાઠ્યપુસ્તકમાં આવેલ ‘ એકમ કસોટી ‘ નામનો વિભાગ લેશનમાં આખો કરવા આપેલ. મને એ જવાબ શોધી શોધી લખતા પણ ન ફાવે ને લખવું પણ ન જ ગમે એટલે લખ્યું નહીં. પંદર દીવસની મુદ્દતનાં અંતે આપણા ખાતે માંડ એકાદ સવાલ હશે . એ સમય આવી ગયો કે એ ચેક કરે પાકીનોટ . એટલે મેં એક યુક્તિ કરી.

અનિલને પુરુ થઈ ગયુ હતું કામ . મે અનિલને એની બુક ઉપર નામ ન લખી લાવવા તથા અંદર પણ ક્યાંય નામ ન લખવા નિર્દેશ કર્યો . એણે માન્યું . એ ઉપર ખાખી કવર ચડાવી લાવેલો . ક્લાસમાં આવી એ શિક્ષકે એવું કહ્યુ કે હું બેન્ચ વાઇસ ચેક કરીશ . એ ચેક કરે એમાં અવાજ કરે બાકીનો ક્લાસ એટલે મને શાંત કરવા ઉભો કર્યો . અનિલે એની નોટ ચેક કરાવી પોતાનાં નંબર આગળ ટીક કરાવી દીધું આગળની બેન્ચ ઉપર જઇને . ચેક કરતાં કરતાં એ પાછળ આવ્યાં મારી બેન્ચ સુધી. એટલે મેં આની નોટનું કવર કાઢ્યું ને સીધી આજની સાઈન વાળું પાનું ખોલીને એમ જ કીધું કે મે આગળ ચેક કરાવી લીધી , તમે નંબર ટીક કરી દ્યો. એમણે કરી દીધું.આ જ યુક્તિ હતી કે અનિલની નોટ હું બતાવી દઉં .

એ દિવસે બહું ગાફેલ લાગેલા મને એ ! એમ થયુ કે કેવા છે ? આટલું ય ધ્યાન નથી ! એ કદાચ સાચ્ચે જ ગાફેલિયત હોય તો પણ ભલે છતાં અત્યારે એમ સમજાય કે એમને ખબર જ હશે . શિક્ષકને ત્રીજી આંખ પીઠમાં હોતી હશે, પીઠ પાછળ કરેલું પણ દેખાય જાય – કળી જાય !

ઘરે ભાઈને વાત કરેલી મેં ડંફાસ મારવા જાણે વાઘ માર્યો હોય એમ ! એણે મમ્મીને પણ કહી દીધેલું પણ આવું ફરી ન કરવા સુચવેલ મમ્મી પપ્પા એ. ભણવામાં સાથે રેહવું એવી ટકોર કરી છોડી મુકેલ !

એની પછીથી હું દર વખતે લખતો આવ્યો છું . બને ત્યાં સુધી કાપી કાપીને પણ નાં લખવું એવો દ્રઢ નિશ્ચય ! જે છેક કૉલેજમાં અસાઈનમેન્ટ વખતે તૂટ્યો . દરેકનો એક સામન્ય અનુભવ હોય છે કે જે દિવસે બહું મહેનતથી લખીને ગયા હોય એ દિવસે એમને જોવું જ ન હોય ! એ એનાં મિજાજ અનુસાર ઠેલાય પછી . ખેર , આપણી ઉતાવળે કશુંય થતું નથી !

.

આની સિવાય શિક્ષકને છેતર્યાંનો કિસ્સો મને હૈયે નથી !

માલવ


હાલ રમવા…

આ હાકલ હેઠળ ભારતીય બચ્ચાંઓમાં મોટાભાગે ક્રિકેટની રમત જ અભિપ્રેત હોય એ નક્કી !

પશ્ચિમનાં દેશની ભારતીય વેકેશનને મળેલી અદ્ભૂત ભેટ એટલે ક્રિકેટ ! જાણે અંગ્રેજો રમતનો કોહિનૂર ભેટ આપી ગયા હોય એમ . આ રમતને પોતાનાં ચોક્ક્સ નિયમો છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ અહીંયા સૌએ પોતાનાં સગવડીયા નિયમો બનાવીને ક્રિકેટ રમી નાખ્યું છે ! એક પંખા વગરની સાઇકલનું પાછલું ટાયર સ્ટમ્પ – એમાં પાછું કેરિયર(કરિયર અલગ હોં ) ઉપર અડે એ આઉટ કે નોટ આઉટ એ દ્વિધા . એટલે આગળનું ટાયર સ્ટમ્પ(જે પાછલા જેટલું વ્યવસ્થિત ન ઉભુ રહે). એક ગાભાનો દડો કે જે પહેરેલા મોજામાંથી બનાવેલ હોય ને અંદર કાગળ અને કપડાનાં લીરા ભર્યા હોય . એક ખપાટીયું બેટ હોય ને દડો નાખી શકાય એટલી જગ્યા હોય એટલું રમવા માટે પુરતું છે .

જેની સાઇકલ સ્ટમ્પમાં હોય એને વિશેષ ચિંતા હોય એનાં આરાની . બોલિંગ ટીમમાં હોય તો ય બોલર સાથે ઝઘડી પડે કે,“ એલા ભાઈ તું બોલ ધીમા નાખ ને , ઈ દડો નો રમે ( એની ભાષામાં ‘ખાઈ જાય’) એમાં મારી સાઇકલનો શુ વાંક” એમ કરીને ! પાછો બોલિંગ કરતો હોય એનો બોલ પોતાનો હોય એટલે એનાં પગ બે વેંત ઉંચા રહેતાં હોય . “બોલિંગ જોઈએ છે ને ?” એ સવાલ પેલાં આરાનું બલિદાન માંગી લે ! વળી પાછા નિયમો ફોર સિક્સનાં એકદમ લિબરલ – જે પ્રમાણેની જગ્યા ! ક્યાંક દીવાલે ઉપરથી અડે સિક્સ ને ટપ્પી પડીને અડે તો ફોર તો ક્યાંક થાંભલો વટે . ક્યાંક મેદાન વટે ફોર સિક્સ તો ક્યાંક ગોઠવેલા ઈંટડા વટે . ક્યાંક ફ્લેટનાં કે ઘરનાં દરવાજા દડાને આલિંગન આપે એ ફોર સિક્સ તો ક્યાંક રોડ વટે. બાજુમાં ઘર હોય તો સિક્સ રાખવાની જ નહીં , માત્ર ફોર તદુઉપરાંત સિક્સ જાય તો આઉટ !બીજાનાં ઘરમાં જાય ફરજીયાત આઉટ અને ઉપરથી ત્યાંથી દડો લઇ આવવાની સજા. રમતા રમતા બે ફિલ્ડર આમ ક્યાંક બીજે જ વાતું જાટકતાં હોય ને બન્ને વચ્ચેથી દડો ફોર જાય એટલે બોલર તથા કેપ્ટન(બની ગયેલો) એ બેને સુભાષિત સંભળાવે !! જેનું બેટ હોય એની એવી ખાસ સમજ હોય કે આપણો દાવ તો પહેલો જ આવવો જોઈએ ! એ અહમ્ સંતોષવા એને કેપ્ટન બનાવી દીધેલ હોય ! જેને સાચ્ચે જ ક્રિકેટ આવડતું હોય ને એ તો બોલિંગ-બેટિંગ બન્ને વિભાગ રૂલ કરતો હોય એટલે એ રમવા બાબતે અસલામતી અનુભવે નહીં કદી . એક બાજુ સ્ટમ્પ સાઇકલ તો બીજી બાજું એક જ તૂટેલું ઈંટડુ જ સ્ટમ્પ હોય. છેક બાઉન્ડ્રી આગળથી એ ઈંટડા આંટી ગયાનાં કિસ્સા તાદ્રશ્ય છે ! એ રન આઉટ ક્યારેય સ્વીકાર્ય ન હોય બેટ્સમેનને અને જો હોય તો સામે વાળા એ કપાવ્યો !!

અમુક વાતો ને દલીલો એવી છે કે જે ક્રિકેટનાં શ્વાસ સાથે જોડાયેલી છે .. એમાંની અમુક અહી !

 • ઓપનિંગ ઉતરેલા ત્રણ ઓવરથી રમતાં બેટ્સમેનને અન્ય ટીમમેટ્સ : “ એલા ભાઇ રન કર કાં તો આઉટ થા ! ”
 • પહેલાં બોલ પર આઉટ થયે :“ મને એમ કે આ ટ્રાયલ હતો ”
 • કેચ આઉટ થયે અન્ય ટીમમેટ્સ :“ લબાડ છો સાવ , આટલું નો વટે ”
 • રન આઉટ થયે સામેનાં રનરને : “આ રન હતો જ નહીં ”
 • બે સિક્સ અને બે ફોર આપી ચૂકેલ બોલરને અન્ય ટીમમેટ્સ : “ભાઇ હવે લબ્બો (અત્યંત ધીમો) મુકી દે ”
 • નો રનમાં ચોથી વખત ફટકારનારને બોલર : “ હવે હું નથી જવાનો , લઈ આવ જા” (મનમાં- ‘હું લારી નહી કરું’)
 • અનુભવી ખેલાડીનાં આઉટ થયે : “મારુ ધ્યાન જ નહોતું” (અલબત્ત તેણે બેટ ઘૂમાવ્યુ હોય).
 • ત્રણ બોલમાં બે રન કરવાનાં હોય ને પોપલું ખેલાડી બાકી હોય એને : “તું ખાલી બેટે અડાડ”
 • મુખ્ય ખેલાડીથી રન ન થાય ત્યારે પ્રેયસીનાં નામોલ્લેખથી ઘણો ફેર પડતો હોય : “ઓય હોય હવે સિક્સ હો ભાઇની ”
 • જ્યારે “એક ટપ્પી એક હાથ”માં આઉટ થાય : “ આ નિયમ જ સાવ વાહિયાત છે ”
 • ત્રણ ત્રણ કેચ છૂટ્યા પછી(મિસફિલ્ડ થયે) કેપ્ટન : “ બોલિંગ નહીં મળે ”
 • નોન બેટ્સમેન બેટિંગમાં આવે ત્યારે બોલરને : “આને પિત્તળ પોરવ” ( લગભગ પ્રકાશની ઝડપે દડો ફેંકવો તેં)

.

આ અને આવી અઢળક વાતો વિવાદો ને વર્તનની વચ્ચે રમાય આખી રમત. હું ક્રિકેટનો શોખીન . બહું રમ્યો છું , ઘરે જીદ્દ કરી કરીને ખરે તડકે રમ્યો છું પણ ક્યારેય ખૂબ સારું રમ્યો નથી ! ક્યારેક મેદાન ઉપર વાતાવરણ હળવું કરવા જ હાજરી હોય એવું લાગે ! તો ક્યાંક માત્ર ફિલ્ડીંગ . મર્દાનગીનાં પ્રાચલ ધરાવતી આ રમત દિમાગમાં ઘર કરેલી છે ભારતમાં. “અરરર ક્રિકેટ નથી આવડતું ” . ” તને તો ફિલ્ડીંગ જ ભરાવતા હશે, નહીં !” . “હુહઃ બેટ પકડતા ય નથી આવડતું ” .આવા વાક્યો એક ભારતીય નરને બૂલી કરવા – ખિજવવા – ઉશ્કેરવા પૂરતાં છે !

આ તો કોઈ પણ સ્ત્રીને મારુ નિવેદન છે કે , પોતાના પીતા – ભાઇ – વર – મિત્ર કે અન્ય કોઈ પણ પુરુષને એની ક્રિકેટ મેમરીઝ વિશે ક્યારેક પૂછવું નો મેટર એને ગમે છે , નથી ગમતું , રમે છે, નથી રમતો, જોવે છે કૈં પણ હોય ! ઘણું ઇન્ટરેસ્ટિંગ જાણવા મળશે ને લખલૂટ હસવા મળશે !

માટે આ રમતને આમ હળવાશમાં જ લઇએ અને કોઈને સતત એકાવન દીવસ સુધી બેટ દડા ટીચતા ન જોઈ – આપણો પણ કાંઇક શારિરીક , માનસિક વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ !

તમારા પણ અનુભવ શેર કરો ને !

ક્રિકેટાશ્ચા સમર્પયામિ !!

માલવ

સફર(ઇંગ)

અમદાવાદમાં ભણવાનું નક્કી થયું ત્યારથી ઘણાં બધાં આનંદમાંનો એક આનંદ હતો મુસાફરીનો . બસમાં . એ પહેલાં દર વખતે લક્ઝરી બસમાં મુસાફરી કરવાનો પ્રમોદ પપ્પાએ પ્રોવાઈડ કર્યો જ હતો. હવે જ્યારે ભાડા જોઈએ એ બસનાં તો એમ થાય કે મારા બેટા શેના આટલાં ફદીયાં ઉઘરાવે છે ?! એક તો એસી ય ઢંગધડા વગરનું ચાલે . વેંન્ટની સામે સીટ આવી એટલે પત્યું . પાછો આખી મુસાફરી દરમિયાન માત્ર બે વાર એક ક્લીનર ટ્રેમાં પાણી લઈને આવે અને જાણે ગયા જનમનાં તરસ્યા હોય સૌ એમ એ પાણીનું પૂછે બધાને , ડાબે જમણે ટ્રે ફેરવીને. તદુપરાંત કોઈ જ જાતની પરવા વગર એ મનફાવે એ મુવી બતાવે પાછા એને એ લોકો સુવિધામાં ખપાવે ! એની ક્વોલિટી સીધું થિયેટરમાંથી ઉતાર્યું હોય એવી હોય એટલે હીરો સ્ટંટ કરે ત્યારે એ થિયેટરનાં આવારા તત્વોને પણ પરોક્ષ રીતે સહન કરવાનાં , એમની ચીચીયારીઓ સાંભળીને . ને મ્યુઝિક સિસ્ટમનું તો નાહી જ નાખવાનું . આમ સઘળું કરીને આપણે એમની લક્ઝરી સહન કરવાની એમ જ સમજો . ખેર , પહેલાં તો ભાન થયું નહીં એટલે બને ત્યાં સુધી હવે એ બસમાં જવા ટાળવું એવો માનસિક સંકલ્પ કર્યો .

અંતે એવો મેળ પાડ્યો કે , ભાવનગરથી અમદાવાદ એસટીમાં મુસાફરી કરવી ને વળતાં હમ્મેશા કોઈ મીનીબસ પકડવી . બાકસનાં ખોખા જેવી . કારણકે એસટી વાળા અને આ મીનીબસ વાળા બિચારા દંભ વગરનાં . જાણે સામેથી જ કહેતાં હોય એમ કે જો ભાઇ સુવિધાનાં નામે કંકોંડો પણ દોઢ સોમાં ઘરે પહોચાડી દેશું. એટલે એ વ્યાજબી લાગે મને .પણ એકવાર ખબર નહીં શું કમત સુઝી મને કે મેં ભાવનગરથી અમદાવાદ જવાં મીનીબસનું બુકિંગ કરાવવા મન થયું . ક્રેસન્ટમાં જઇને આશાપુરામાં બુકિંગ કરાવવાનું હતું. લગભગ સવા બાર જેવો સમય હશે એ. ત્યાં કાઉન્ટર ઉપર બે મારી જેવડાં છોકરાઓ બેસે ટિકિટ બુક કરવાં . અમે (હું ને પપ્પા ) અંદર ગયા પછી કીધું કે એક ટિકિટ કરો બુક ત્યારે એક જણ ગેઇમ રમતો હતો ને બીજો જોતો હતો અમને. એવું લાગતું હતું કે અમદાવાદનાં બધાં બુકિંગ પેલાં ગેઇમવાળા એ કરવાનાં હશે . ઘણી નમ્રતાથી એણે બાજુવાળા ને કીધું કે તું ‘નવરો’ બેઠો છો તો કરી દે બુક પણ ત્યાં એણે રોફ કર્યો , “ઘડીક મેક ને મોબાયલ , ઘરાક ઉપર ધાન આપ ” . એટલે હવે રમતા રમતા જ એણે મેઈન ઑફિસે ફોન કર્યો ને ખાલી સીટ જોઇ ને મને ટિકિટ આપી રવિવારે સાંજે ચાર વાગ્યાની અને સીટ નંબર છ. પૈસા આપીને પાછા બહાર નીકળતા હતાં એટલાંમાં એ જે ગેઇમ રમતો હતો એ તેં હારી ગ્યો હતો એટલે અમારાં ગયા પછી એ બન્ને બાખડી પડવાના હતાં એ નક્કી .( જાણકારોને જણાવવાનું કે એ COCમાં એટેક હાર્યો હતો !)

બીજે દિવસે સાડા ત્રણ વાગ્યાંમાં ઘરથી ક્રેસન્ટ આવી ગયો હું . પાછું પીકઅપ માટે બીજી બસ લેવા આવે જેમાં દર સીટે પંખા હોય ! ઠાઠ જુઓ તમે . આપણને તો એમનાં મેઈન સ્ટોપ જઇને ખબર પડે કે આપડે તો એમની રેગ્યુલર ખખડધજમાં જ જવાનું છે .ત્યાં જઇ ખભે પહેરવાનું બેગ મેં માથે માળિયે મૂક્યું ને ખૂબ જહેમતથી મોટી બેગ સીટ નીચે ઘાલી , જે થોડીક બહાર રહેતી હતી . ત્યાં એક બેન આવીને કહે આ મારી જગ્યા છે . મે ટિકિટ બતાવી પણ એ તો હક કરીને બેસી જ ગયાં . ક્લીનરને વાત કરી એણે પાછી બીજે વાત કરી , ” અલા છ નંબર ઉપર બે સીટ બોલે છે હુ કરશું ? ” સામેથી જવાબ આવ્યો , ” એ ભાઇને કે ઓફીસ મળતો આવે “. આટલું સાંભળી હું નીચે ઉતરવા જતો હતો ત્યાં પેલાં બહેન કે , ” આ બેગ લઇ લ્યો ને નીચેથી “. ફરી પાછી એટલી જ જહેમતથી બહાર કાઢીને હું એમની ઓફીસ ગયો ! ત્યાં મને કીધું કે ,”કેબીનમાં જગ્યા છે બોલો આપી દઉં !?” મેં કીધું ના રે , બુકિંગ શેના માટે કરાવ્યું છે ; મને પૈસા પાછા આપી દ્યો ! એણે આપી દીધાં .

હું રીક્ષા પકડીને નજીકનાં લક્ઝરી બસનાં સ્ટોપ પર ગયો એમ વિચારીને કે હવે જવું તો પડશે જ ને આ જ રસ્તો છે . ત્યાં બે હરીફોની દુકાન બાજુ બાજુમાં . ચોખ્ખી મોનોપોલીથી જીવે એ ! બન્ને જગ્યાએ પુછ્યું મેં પણ એ લોકો પાસે કોઈ ખાલી જગ્યા ન્હોતી. મારો એ મોટો થેલો લઇને હું શું કરવું એમ વિચારતો હતો ત્યાં….. એક મિનીટ , મારો બીજો થેલો !? શીટ્ટ , એ તો પેલી બસનાં માળિયા ઉપર !! ફટાફટ એ બસમાં ફોન કર્યો તો ખબર પડી કે એ તો કયારની ઉપડી ગઇ. મેં કીધું કાંઇક કરો , તો એ કે, ઓફિસે આવી જાવ ! હુ ફરીવાર પાછો ઓફીસ ગયો એ મોટા થેલાને લઈને ! એણે મને એવું સૂઝવાડ્યુ કે, “એ બસમાંથી તમારો ભૂરો થેલો અમારી કોઈ બસ સામે આવતી હશે ને એમાં આપી દેશે , તમે અત્યારે સાડા પાંચમાં બુકિંગ કરાવી લ્યો કારણકે એ બસ પાછી તમને યે ક્રોસ થશે જ ને !” આ આપણને જામ્યું . મેં કીધું ભલે . એણે મને એક મોબાઇલ નંબર પણ આપ્યો કે જે મારુ બેગ લઈને આવવાનાં હતાં. અડધી કલાક ત્યાં રાહ જોયા પછી પોણા છ આસપાસ એણે બસ ઉપાડી. પેલાં ભાઇ સાથે વાત થઈ એમાં અમારે વચ્ચે મળવાની વાત થઈ હતી. હવે મારી બસ એ જગ્યાએ વહેલાં પહોચી અને એની પહોંચતાં વાર લાગશે એમ વાત જાણવા મળી. મારે કોઈ પણ હાલે એ બેગની જરૂર હતી જ . હું ઝઘડ્યો . એટલે એ પણ અકળાઈ ગયો ને કીધું કે તમે ઉતરી જાવ તમને હુ ભાડું પાછું આપી દઉં ! મે કીધું ભલે. કારણકે પેલી બસ આજના દીવસમાં ક્યારેક તો આવવાની જ હતી ભાવનગર એટલે આપણે આપણું બેગ એની ઓફીસથી લઈ લેવું ને સવારે એસટીમાં નીકળવું ઇવો નિશ્ચય કર્યો . અમે જયાં મળવાના હતાં ત્યાં હુ ઉતર્યો , ભાડું લીધું , રીક્ષા કરી અને આમની ઓફીસ આવ્યો . ત્યાં સુધીમાં પાછુ મારૂ બેગ પહોચી જ ગ્યું હતું એમને ત્યાં. છેવટે બન્ને સામાન લઇને હું બહાર નીકળવા જતો હતો ત્યાં એણે પુછ્યું કે કાલ સવારે છ વાગ્યાંમાં આપુ ટિકિટ ?!

બહાર નીકળી ભાઈને ફોન કર્યો કે મને કાંઇ નથી થયું પણ હું ગ્યો નથી અમદાવાદ . આમ સાડા ત્રણનો હું ચાર કલાકે પણ લગભગ સાત આજુબાજુ ઘેરનો ઘેર જ રહ્યો ! અહો એડવેંચરસ !!!

-માલવ

આઈસક્રીમ કોન

હોસ્ટેલની મેસમાં ચાલતા ભોજન ત્રાસવાદનાં પગલે આજે પણ પેટપૂજાની બહારથી જ કાંઇક વ્યવસ્થા કરવી પડશે એવું લાગતું હતું. લગભગ સાડા આઠ વાગતાં હોસ્ટેલનો દરવાજો ઓળંગી ચાર ચોક સુધી ગયો હું. જમણે અને ડાબે એમ બે જ બાજુ હતી જવા માટે .સામે તો ગર્લ્સ હોસ્ટેલ ! ડાબે ચાર પાંચ દુકાન રહીને આવતી જનરલ સ્ટોરની દુકાન , જયાંથી એ સમયે પડીકા સિવાય કશું મળવાની આશા નહોતી . એટલે હું જમણે ગયો .

રસ્તામાં રોજ રોડની પેલી તરફ આવેલ અંકલ સેમ પિત્ઝા જોઈને જીવ બળે . તેની નીચે બે મોંઘી નાસ્તાની દુકાનો હતી ,જે વધું કિંમતે પણ સારુ બર્ગર આપતાં નથી. એ ઓવરપ્રાઈઝ જગ્યાએ આપણે જવું જ નહીં એમ નક્કી કરેલું . હવે ધીરે ધીરે મને યાદ આવતું ગયુ કે હું જે તરફ જઇ રહ્યો હતો ત્યાં પાણીપુરી વાળો પણ ઉભો રહે છે . તેની સામે સાવ નાનકડી દુકાનમાં બહાર લારી નાખી એક ભાઈ રોજ જમાડે . શાક ગમ્મે તેં બનાવે , સ્વાદ એકનો એક જ આવે . મને એ ભાવતું. એ સસ્તો પણ હતો. હું ત્યાં સબ્જી ચાવલ( એ ગુજરાતી જ હતો છતાં શાક ભાત નહીં , સબ્જી ચાવલ જ બોલતો ) ખાવા ઇચ્છતો હતો પણ નસીબજોરે એ તપેલું ખાલી કરીને બેઠો હતો. અંતે પાણીપુરી જ ખાવાનું નક્કી કર્યું. થોડીવાર સુધી એ ચટાકો રહ્યો જીભ ઉપર પણ પછી તો નર્યું તીખું જ લાગ્યાં કરતું હતું . એટલે હવે કાંઇક ઠંડુ અને ગળ્યું ખાવું પડશે એમ વર્તાયું .

આ સમયે લગભગ બે વર્ષનું એક બાળક ત્યાં લારી-કમ-સાઇકલનાં(લારી-કમ-સાઇકલથી મારો મતલબ પેલી ભારો લઇ જવાં ઉપયોગમાં આવતું વાહન છે . સાઇકલમાં કેરિયરની બદલે એ લારી જેવું જોડેલું હોય ) પાછળનાં ભાગમાં બેઠું બેઠું રોતું હતું . તેનાથી થોડી મોટી બહેન અને તેનાં આધેડ ઉંમરનાં પિતા એને છાનો રાખવા મથતાં હતાં. એ છોકરો જીદ્દ પકડીને બેઠો હતો આઈસ્ક્રીમ કોન ખાવાની . ” મારે કોન ખાવો ….. કોન… ” એમ આખું મોઢું ખોલીને એ રોતો હતો. એનો બાપ બેશક મજૂર જ હતો પણ એણે ઘણું ધનવાન સ્મિત પહેર્યું હતું. દૂધની થેલી લેવાં જતાં કોઈનાં હાથમાં કોન જોઇ ગયુ આ બાળક અને વેન કરતું હોય એવું લાગ્યું. બાપે વાત ટાળવા ઘણો પ્રયત્ન કર્યો પણ વાત બની નહીં . એની પાસે પૈસા તો હશે પણ એ ત્યાં વાપરવા નહોતાં . થોડીક અથડામણ પછી એ છોકરાંને એની બહેનની સાથે મુકીને દુકાને દોડી ગ્યો. અહીંયા જાણે એ છોકરો બાપને કળી ગયો હોય એમ અને હમણાં કોન આવશે એ ધરપત સાથે એ હવે શાંત હતો. બીજી – ત્રીજી મિનિટે એ બાપ બે કોન લઇને આવ્યો. તદ્દન નિખાલસ હસ્યાં ત્રણેય .

બાપે ઉપરનાં કાગળિયાં કાઢીને બન્નેનાં હાથમાં કોન મુક્યો.બટર સ્કોચ ફ્લેવર હોય તેમ લાગ્યું રંગ ઉપરથી. હવે એ છોકરાની નવી જીદ્દ હતી. ‘મારી બહેનનો કોન પણ મારો એમ !’ ને… ફરીથી રોકકળ ચાલુ . એને બહેન ઉપર કઈ ખાર હશે એ તો ન સમજાયું પણ એની બહેનને એટલો દ્વેષ નહોતો . બાપે એને ખવરાવવા પ્રયત્નો કર્યા પણ નહીં , તમે બેઉં કોન મને જ આપી દ્યો બસ્સ , એકમાત્ર હઠ. બહેનનો કોન તો પાછો દુકાને આપી દેવાનો છે એમ પણ વાત થઈ પણ સઘળું વ્યર્થ ! હવે બાપ ખીજાણો . ” પણ તું આ તારો ખા ને ! ” છોકરાને કીધું . દીકરીને દૂર જઇને ખાઈ આવવા ઈશારો કર્યો ! બાપે છોકરાને એ લારીમાંથી લટકતા પગ બહાર રાખીને રસ્તા તરફ મોં રાખી હાથમાં કોન પકડાવ્યો . છોકરાંએ એનો રસ્તા પર ઘા કર્યો . એનાં પ્રમાણમાં ખાસ્સું બળ કર્યું હોય તેમ લાગ્યું. બાપે એ તુટલો કોન હાથમાં લીધો અને રીતસરનો લૂછ્યો . દિકરીનાં હાથનો કોન લઇ તેણે પેલા છોકરાંને આપ્યો ને તૂટેલો પેલી દિકરીને આપ્યો . હવે કદાચ એમને મોડું થાતું હશે એમ લાગ્યું. દિકરી પોતાનો કોન પાછળ સંતાડી એ લારીમાં બેઠી પેલો ટાબરીયો આગળ પગ લટકાવીને ચૂસવા લાગ્યો એ કોન . બાપે સાઇકલ મારી મુકી . પેલો બદમાશ વળી પાછો ફરી ફરીને જોયા કરે કે બહેન ક્યાંક ખાતી તો નથી ને ! આમ નાના મોટા ઢોંગની વચ્ચે એ બાપનું સ્મિત અવિચળ રહ્યું જે ઘણું આકર્ષક હતું. દૂધની પચીસ રૂપિયાની થેલી પાંસઠમાં પડી એ પણ વધારાની જફા સાથે !

આ બધું પતાવીને અંતે મેં મારા માટે જ ચોકલેટ ફલેવર્ડ કોન લઇ લીધો !

માલવ