મમ્મી : ધી વંડરવુમેન

वो जो हैं बस जो हैं वो ही हैं


એક વખત એક સરમુખત્યાર(let’s call him લિઓ)ને એક પ્રયોગ કરવાનું મન થયું. એ માતા અને એનાં સંતાનો તરફનાં પ્રેમથી ખૂબ વાકેફ હતો. પોતાની વિચિત્ર જિજ્ઞાસા લોકોનાં જીવન ખતરામાં નાખે એનાથી એ જરા પણ વિચલિત ન હતો. તેણે લગભગ ત્રણેક હજાર માતાઓને ભેગી કરી અને સૌને એક લાઈનમાં ખડી કરી દીધી. એ બધી માતાઓનાં થઈને ચારથી સાડા ચાર હજાર સંતાનો થતાં હતાં. એક બાજું માતા ને બીજી તરફ એ યુવા સંતાનોને બંદી બનાવી દેવાયાં. દર બેકી સંખ્યાની જગ્યાએ ઊભી રહેલી માતાને એવી ચોઈસ આપવાંમાં આવી કે એ પોતાનાં સંતાનનો જીવ બચાવી શકે પણ એ માત્ર એની ડાબે ઊભી પડોશી માતાનાં સંતાનોનાં જીવનાં ભોગે. લિઓએ એવી ગોઠવણ કરી હતી કે બેકી જગ્યાઓમાં એક સંતાનની મા જ્યારે બાકીની જગ્યાઓ પર બે કે તેથી વધું સંતાનોની મા. એને એવો વિશ્વાસ હતો કે આ પ્રેમ , વાત્સલ્ય અને માતાઓનો સંબંધ નર્યો સ્વાર્થ અને માત્ર એક pseudo ભાર છે. લિઓને એવું જ હતું કે આખરે સોથી વધું સંતાનો જીવતાં નહીં રહે કારણ કે સૌ કોઈ પોતાનાં જ સંતાનોને બચાવી લેવાંનું ! પણ માતા ખાલી પોતાનાં જ સંતાનોની મા નથી હોતી ને. એ દરેક માતા ખુદ એકબીજાને મારી નાખવાં વધું તૈયાર હતી. આવી ને આવી એ દર વર્ષે રમત રમતો ; ક્યારેક છોકરાઓ જાતે આપઘાત કરી લે , ક્યારેક માતાઓ મોતને ભેટી લે. લિઓ છાતી ઠોકીને કહેતો કે તમે દુઃખી થાવ છો કારણ કે તમે ખોટી ભાવનાંઓનાં ગુલામ થઈ બેઠાં છો. સતત ત્રીજા વર્ષે આ રમતની શરૂઆતનાં દીવસમાં લિઓનાં મૃત્યુનાં જ સમાચાર આવ્યાં. કોઈ ઝેરી દવાથી મૃત્યુ થયું હોય એમ લાગતું હતુ. ત્રણ દીવસ રહીને લિઓની માતાનાં ઓરડામાં એક કાગળ મળ્યો : આટલી બધી માતાની હાય મારે આ રીતે ભોગવવી પડશે એ મને ખ્યાલ નહોતો. મારા દીકરા લિઓને હું ખૂબ ચાહતી અને એની શરાબમાં આંકડાનાં પાનનો રસ મિલાવતાં મને જે પારાવાર પીડા થઈ છે એ મને જીવવાં નથી દેતી. આજ સુધી એનો પ્રયોગ ક્યારેય એક પણ રાજ્યની માતાએ સફળ થવાં દીધો નથી. હું તો એની મા છું , મારે તો એનાં વેન પૂરાં કરવાનાં અભરખા હોય જ ને ! એટલે મેં જ શરૂઆત કરી મારાં વ્હાલા અને એકનાં એક લિઓથી. જીવતે જીવ હું એને મા-દિકરાનો પ્રેમ ને એની મહત્તા સમજાવી નથી શકી. એક મા તરીકે થોડીક સફળ થઈ શકું એટલે એની પાછળ પાછળ એને નરકનાં દરવાજે મળવા ને કહેવા જાઉં છું કે, “મમ્મી તને કેટલું ચાહે છે અને ચાહવું એટલે નબળાં પડવું નહીં – બળવાન થવું !”

કોઈક વિદેશી અને અવાસ્તવિક લાગતી આ ક્રૂર ઘટના માત્ર એક ઉપજાવી કાઢેલી વાર્તાથી વિશેષ કાંઇ જ નથી. પ્રેમ, વાત્સલ્ય , માની મમતા , મા એ જ ભગવાન , મા તે મા અને માતૃત્વ જેવાં ઘટકો બિરદાવવા હવે આ વિશ્વમાં સાહિત્ય ઓછું ય નથી અને આજે ઓલ્યું શિવરાત્રીએ શિવલિંગને દૂધથી “પીઓ…પીઓ” કરી મૂકીએ છીએ એવું ય કરવું નથી. મા ને મા જ રહેવાં દઈએ ને થોડીક સહજ વાતો કરીએ.

આપણે કદાચ જો હજું ચાર પગે ચાલતાં હોત તો સ્ત્રીને બાળક ‘carry’ કરવામાં થોડી સરળતા પડતી હોત. ઊભાં થઈને દોડવા માંડવામાં આ ઉત્ક્રાંતિએ સ્ત્રીઓને થોડી વધું જ પીડા બક્ષી છે. પણ આ એક વાત સમજી લેવાં જેવી છે કે શું માત્ર આ પીડા જ આ સંબંધનાં પાયામાં છે ? આગળ જતાં એવું જો વિજ્ઞાન વિકસે (અથવા વિકસિત જ હશે) કે બાળકને પેટમાં રાખવું જરુરી નથી , એનો વિકાસ પ્રયોગશાળામાં ચોક્ક્સ વાતાવરણમાં થશે અને છેલ્લે જન્મ પણ. ન કોઈ પ્રસવની પીડા ને ન કોઈ માથાકૂટ. તો શું માતા એવો જ પ્રેમ આપી શકે બાળક ને!? ને બાળક એટલું જોડાયેલું અનુભવે કે કેમ ? આમ તો લોકો દત્તક સંતાનોને પણ અઢળક પ્રેમ આપી શકતાં હોય એવું મેં જોયું છે એટલે સાવ વેદના ઉપર જ છે બધુંય એમ નથી.એટલે હકીકતે જુઓ તો નજર નજરની વાત છે. કોઈવાર કોઈક મિત્રનાં છોકરાવ , કોઈ દિકરા કે દિકરીનાં મિત્રો , પાડોશીઓનાં સંતાનો વગેરે માટે પણ માયા બંધાઈ જતાં જોઈ છે આપણે. જે નજરથી જોવાઈ જાય એ નજરનો પ્રેમ આવી જ જતો હોય છે અને સગ્ગા દિકરા/દિકરીમાં ય જો સૂગ આવી જાય તો નજર ફરી જતી હોય એવું બને.

માને ભગવાન અને વાત્સલ્યમૂર્તિ બનાવવામાં બાકીનું બીજું ઘણું ટલ્લે ચડી ગયું છે. માણસ તરીકે જોઈ શકીએ જો થોડીકવાર પ્રેમ પડળની પાર જઈને તો સમજાશે કે કેટલી ય ઝંખનાઓ , સપનાઓ અને ઈચ્છાઓ કે જે માણસ સહજ રહે છે એ માનાં નામનો પાલવ ઓઢી સુઈ ગઈ છે. માતાઓને સાથે સાથે નિભાવવાની જો કોઈ જવાબદારી હોય તો તે એક પત્ની તરીકેની છે. બહું ઓછાં સંબંધો એવાં મળે છે કે જે એમણે કરેલાં આપણાં માટેનાં કર્મો ગણાવ્યા કરતાં નથી. સ્ત્રીઓને આ જ બધું થોડું વધું ઋજુ બનાવે છે. જીવનનાં તબક્કાઓમાં મા બન્યાં પછી સહજ જ સ્ત્રીઓ સંતાનઉછેરમાં પરોવાઈ જઈને અન્ય પળોજણોને તિલાંજલિ આપી દેતી હોય છે. એ બધી માથાકૂટમાં ફરીથી ઘૂસવાનો મોકો એમને છોકરાંવ સમજણા થઈ જાય પછી મળે છે. આવાં અવસર પુરુષોને સાંપડ્યા નથી. મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓ ગૃહિણી હોય છે અને એટલે જ માતૃત્વ બિરદાવવા આપડે એમનાં ભોજનનાં પણ વખાણ કરતાં હોઈએ છીએ.

માની સુગંધ , માની ભાવતી રસોઈ , માની રીસ , માનું હાસ્ય , માની આપણને ગમતી સાડી , માની ખીજ , માની લપડાક , માની ટેવ , માનો ગમતો ફોટો , માની પૂજા , માની બેસવા-ઉઠવાની લઢણ , માથી વારેવારે બોલાતો શબ્દ વગેરે જો યાદ કરીએ તો હૂંફ વર્તાય , ગમે અને સ્મૃતિઓ તો ફરી ફરી એ જ નાનકડી ચડ્ડી અને લાલ ટી-શર્ટમાં નાખી દે છે મને. માતા હકીકતે શાતા બનીને પંપાળી રહી હોય એમ લાગે. એનાં સહજ હોવાંમાં જ માતાની મહત્તા અને ગુણવત્તા નવાં સ્તર ઉપર પહોંચતી દેખાય છે. આટલું બધું તાદાત્મ્ય માત્ર એ પ્રસવ પીડાનું કારણ નથી , માત્ર રોજ સાથે રહેવાનું અને જમાડી દેવાનું compulsion પણ નથી , કોઈમાં પ્રાણ ફૂંકી દીધાંનો અહમ નથી કે નથી કોઈ મિજાજી ને તરંગી ઘટનાનો અંજામ. આપણે જેણે જાણતાં ન હોઈએ , ઓળખતાં ન હોઈએ એને માટે બહું ખાસ પીડા કે પ્રેમ ઉપજાવવો આપણને પોસાતો હોતો નથી. મા એક જ એવી છે કે જે blind date માં ખાસ્સું માને છે અને આશિકો જેમ આ એક દિલ દો જાનની વાતો કરે છે એમ એ સાચ્ચેમાં બે જણાંનો શ્વાસ લઈ , બે હ્ર્દય ધડકાવી શકે છે. આટલી આત્મીયતા કદાચ આ ગોઠવણને ય આભારી હોય.

ઘણી વાર એવું થતું હોય છે કે બધી તકલીફોનું નિરાકરણ મા પાસે હોતું નથી પણ એને કહી દેવાં માત્રથી આપણે જલદી સુલઝી શકીએ છીએ. બાળક નાનપણથી બધી વાતો ને ફરિયાદો માને જ કરતાં શીખ્યું હોય એટલે મમ્મીને એકવાર કહી દઉં તો સારું એમ સહજ જ થાય. બહુ જ સિમ્પલ હોય છે મમ્મીલોકો. એમનાં માણસ તરીકેનાં સ્વભાવને ઓળખી , જનરેશન ગેપનાં તકાદા કર્યા વગર એને સમજાવ સમજાવ ન કર્યાં કરવું. બાકી જે દીવસથી એનાં ભાતિયામાંથી વધારાનાં ભાત પડવાનું બંધ થશે , છેલ્લી ખાંડવાળી રોટલી આવતી બંધ થશે , અઠાવન પકવાન હશે ને તોય માની જેમ રોટલી ને શાક આપમેળે પીરસાવાનું બંધ થશે , તું કેમ ખાતો નથી એ સવાલ આવતો બંધ થશે ત્યારે પલપલીયા પડી જ જવાનાં.

પહેલાં વાત થઈ એમ મા ખાલી જન્મ દીધે નથી બનાતું , વિચારથી બનાય છે. ઘણાં લોકો માની અવેજીમાં આ ઉર્જાનો વિનિમય કરતાં હોય છે. એની ગેરહાજરી અને ખાલીપાનો કોઈ વિકલ્પ નથી પણ એમનાં વતી જે આવી ક્રાંતિ ઘટાવી જાણે છે એમને વંદન છે.

મા અને એને સમકક્ષ એ બધી જ ઘટનાને વ્હાલ ! અને ઓ સંતાનો , કપાતર પાકીને જીવ નો બાળશો.

આવજો , મજા કરો.

ક્યારેય મમ્મીઓની વાતો અને ગીતો એકલાંમાં ન જોવાં-સાંભળવા , because when it comes to mom we all get emotional.

– માલવ

આઈ એમ સોરી !

या तो माफ़ करो या तो इंसाफ़ करो , बस अभी यह सब तुम साफ़ करो !


શાળાનાં પરિસરમાં નાના નાના ટાબરીયાંઓએ રજાનો બેલ પડતાં જ દોડાદોડી ને ધક્કામુક્કી કરી નાખેલ. હવે ચોથા પાંચમાં ધોરણમાં ભણતાં બાળકને શું ભાન હોય ? એને તો એનાં ભાઈબંધ – બેનપણી હારે મશ્કરી કરવી હોય , હાહા-હિહિ કરતાં ઘેર જાવું હોય , નવી નવી સાઇકલ આવી હોય એ સૌને બતાવવી હોય , પાંચ રૂપિયા આપેલાં હોય ઘરેથી , નાસ્તા પાણી માટે – એ બચાવી બચાવીને પ્રીમિયમ સોડા પાર્ટી કરવી હોય વગેરે જેવી બધી જ મનછાઓ વચ્ચે એક ઘટના બહું રસપ્રદ ઘટી: બેલ પડતાં જ આખી સ્કુલ છુટેલી. એવામાં એક ચબરાક છોકરો , લગભગ પાંચમું ભણતો હશે , ગોરો વાન અને ખંભે લંબચોરસ દફતર નાખેલું , એનાં ભાઈબંધો સાથે ચાલતો ચાલતો જતો હતો. ત્યાં જ એક છોકરી દોડીને આવી ને એની બાજુમાંથી પસાર થતાં એનાથી પેલાં છોકરાંને ધક્કો વાગી ગયો ! છોકરી શાલીન. એણે કીધું સોરી ! અને એની પછી જે જવાબ આપ્યો છે એ છોકરાએ , એ ખાસ્સો મજબૂત છે ! એ છોકરાંએ , મોઢાં ઉપર દેખાડી શકાય એટલી વ્યગ્રતા સાથે ખાલી એટલું જ કીધું કે , ” સોરીનું હૂ મારે શાક કરવું ? ” એ છોકરી તો “હુહ ” કરીને જતી રહી , પણ અમે બધાં હાઈસ્કુલીયાં ત્યાં બેઠાં બેઠાં આ જોઈ રહ્યાં !

આઈ એમ સોરી નું ભદ્રંભદ્ર ગુજરાતી એમ થાય કે હું દિલગીર છું. તું તો હોઇશ દિલગીર પણ મારું શું ? એવો સહજ સવાલ થાય આપણને ! લોકો આ સોરીનો ભિન્ન ભિન્ન કારણોસર અને ભિન્ન ભિન્ન રીતે ઉપયોગ લેતાં હોય છે.ઘણાં લોકો આ સોરીનો છટકબારી તરીકે ઉપયોગ કરે છે. ઘણાં લોકો સાચ્ચેમાં જ પ્રાયશ્ચિત પ્રાર્થતા હોય છે. ઘણાં તો ટોણા મારતાં હોય ખાલી. પણ હશે. આપણે કોઈનાં મનમાં પેસી શકતાં નથી , જેને જેમ ઉપયોગ કરવો હોય એમ કરે ; આપણે એમની માફી પાછળનાં બધાં પ્રયોજનો પણ સમજી શકવાના નથી. મારે તો અહીંયા તાત્વિક સ્વરુપ જોવું છે માફીનું.

પહેલાં ઉદાહરણની રીતે વાત કરીએ તો એમ જ દેખાય છે કે ગુનેગાર માફી માંગે એનો ખાસ કશો અર્થ સરતો નથી કારણકે કરવાનું હોય / થવાનું હોય એટલું નુકસાન થઈ ચૂક્યું હોય ! ટૂંકમાં ડેમેજ ઈઝ ડન ! પણ કોઈ માફી ક્યારે માંગે ? અને શું કામ માંગે ? અથવા પુછો શું કામ માંગવી જોઈએ ? આ બધાંય સવાલ ‘સોરી’ને પાનની પિચકારીની જેમ થૂંકી દેતાં પહેલાં પોતાની જાતને પૂછવા જોઈએ ! ભૂલો હંમેશા અજાણતાં જ થતી હોય છે. દરેક બનાવને તેની ખુદની જ તીવ્રતા હોય છે. પરિણામો જે હોય તે , પણ એ નાની અથવા મોટી ઉથલપાથલ કરવાં તો સમર્થ હોય જ છે. વ્યક્તિ માફી ત્યારે જ માંગતો હોય છે જ્યારે એ પોતાને બીજાંનાં હાથની નીચે મુકે , પોતાનાથી કોઈનાં જીવન ઉપર કંઈ ઉલટ અસર થઈ છે એ સમજે ત્યારે. સામેવાળાને સારુ લગાડવા કે ભૂલો ઉપર ધૂળ નાખી રફે દફે કરી દેવાં માફી માંગવી એ પોતાનું જ અવમૂલ્યન છે. પરિસ્થિતિ પાછી નથી લાવી શકાતી , “ભૂલો સુધારવી” એવું કશું હોય પણ ખરું કે કેમ એ સમજાતું નથી અને માફી માંગીને આપણે છટકી પણ નથી શકવાનાં , પણ માફી માંગવી એ ખુદનાં અભિમાન – ઈગો ને ડામવામાં સરસ ભાગ ભજવે છે અને સામેવાળાને પણ મહદ્ અંશે ટાઢો રાખે છે .

એટીકેટ્સનાં ભાગ રૂપે બોલાતું સોરી શાલીનતાની નિશાની છે. એનાં પરિણામો સહ્ય હોય છે. સોરી એ એક અશાબ્દિક અને અલિખિત દસ્તાવેજ છે. એક જાતનું NOC જ સમજી લો. માફી એ ‘માંગવાની’ ઘટના સાથે સંકળાયેલ છે. ભૂલ કરીને આપણે સામેવાળા પાસે એ ઈચ્છીએ છીએ કે , એ એકલપંડે મહેરબાની કરીને એનાં પરિણામ ભોગવી લે. ભૌતિક નુકસાન કદાચ ભરપાઈ થઈ પણ શકે પણ માનસિક કષ્ટ વેઠી લે ! એટલે જ માફી મળી જાય પછી માણસ હાશકારો અનુભવે છે , અને જ્યારે માફી ન મળે ત્યારે બંનેનાં ભાગે કષ્ટ ભોગવવાની ભાગીદારી આવે છે. એકને પરિણામ અને અહમની પીડા તથા બીજાને ભૂલ કર્યા પછીનાં રંજ અને સંબંધમાં તિરાડોની પીડા. દર વખતે માફી જ કાફી નથી હોતી. ઘણી અક્ષમ્ય ભૂલો પણ ઘટે જ છે , જેમાં હકીકતે સોરીનું શાક કરીને સ્વીકારનો ઓડકાર ખાઈ જ લેવો પડે ! પણ જાત અનુભવે એવું કહી શકું કે , જ્યારે અક્ષમ્ય ભૂલો ઘટતી હોય છે ત્યારે એ જે-તે વ્યક્તિ થવાકાળ ઘટનાનો નિમિત્તમાત્ર હોય છે. તેમ છતાં એક ‘સોરી’ ખુદનું અવમૂલ્યન થતાં તો રોકે જ છે.

આ સાથે એ પણ સમજી લેવું જોઈએ કે , આપણાં તરફથી મળતી ત્વરિત માફીનો કોઈ દુરુપયોગ કરે છે – ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે એ જ ઘડીએ સામેવાળાને ઝાટકી લેવો. જાડી ચામડીનાં પણ લોકો હોય જ છે , જે માફી માગવું તો દૂર ; ભૂલો સ્વીકારી પણ શકતાં નથી. આવાં ધડા કર્યા વગરનાં ત્રાજવે સ્વમાન ક્યારેય ન જોખવું. માત્ર હ્ર્દય નહીં , મગજનાં પણ મંતવ્યો લેવાં. માફી છે જ એટલાં માટે કે એ બંને વ્યક્તિને એક સ્તરે મુકી દે છે ! બંનેનાં અસ્તિત્વનું સરખું જ મૂલ્ય છે એવું ફરી ફરીને એ યાદ કરી શકે એટલાં માટે. ક્યારેય માફી યાચવી નહીં , કોઈની માફી માંગવાની સમજણને લઈને સંબંધનાં પેપરમાં માર્ક ન મુકી દેવાં. માફી માંગતા ડરવું પણ નહીં અને પોતે કરેલાં કર્મોની સંપુર્ણ જવાબદારી લેતાં શીખવું. એ મજબૂત બનાવશે તમને. જો તમે હકીકતે દિલગીર હોવ તો સામેવાળાનાં દુઃખનાં પણ ભાગીદાર થાવ. ઉ.દા. તમે જલદી જલદીમાં કોઈક એટલાં જ જલદી જતાં માણસનાં સફેદ ઝભ્ભા ઉપર ચા ઢોળી દ્યો , તો તમારી જાતને એ ઝભ્ભામાં ધારીને એ માણસની થતી મદદ કરવી. ભલે તમે મોડા પહોંચો. હાજરી ન પુરાય , લેક્ચર મિસ થાય કે પછી પગાર કપાય ; એ થવાં દેવું ! અને જો માફી દેવાની હોય તો સમયની નાજુકતાં અને પરિસ્થિતિનાં પરિણામોની તીવ્રતા ખાસ ચકાસી , શાંતિથી – સમજથી – સુલેહથી બધું જ પાર પાડવું ; થઈ જ જાય !

ભૂલો ન થાય એ જ તકેદારી પહેલાં રાખીએ તો કેવું ? બધુંય કુદરત ઉપર ઢોળી ન દેતાં અને એ તો થવાંકાળ છે એમ મનાવી લેતાં પહેલાં જ થોડાં સાવધાન અને સ્વ-જાગૃત થઈએ તો કેમ ? સ્વથી સહુ સુધી પહોંચવા આ કરવું રહ્યું !

સોરી કહેતાં જ ભૂલો એકસ્પાયર તો નહીં થાય પણ પરિણામો વેમ્પાયર પણ નહીં થાય ! ગેરેન્ટી.

સોરીની સિકંજી કેવી લાગે હેં ?!😜

-માલવ

બાપ બાપ હોતા હૈં !

કોઈ માપ , કાપ કે પાપ વગર પોતાનાં વ્યાપની પરિવાર ઉપર ગુરુચાપ નિરૂપણ કરતો પુરુષ એટલે બાપ !!


આમ તો મા અને બાપમાં એ સમજવું કે સમજાવવું અઘરું થઈ પડે છે કે કોણ કોનાં છાયામાં છે ? કોને લીધે કોણ એમ આપણે પૂછતાં નથી. મા અને બાપ બન્ને વાત્સલ્યમૂર્તિ જ છે આમ તો , પણ બસ ફક્ત એને સમભાર કરવાં બન્નેનાં સ્વરુપ અલગ છે. કોણ કોને બળ પુરુ પાડે એવી પતિ પત્નીમાં શરતો ય નથી ને મા – બાપ તરીકે એવી હોડ પણ નથી. સામાન્ય નજર એવી હોય છે કે , બાપ કઠોર હોય અને મા સુંવાળી ! પિતાનો પ્રેમ આમ પણ અવ્યક્ત જ રહ્યો છે. પુરુષોને પોતાની ફીલિંગ્સ કહેતાં શીખવાડે જ કોણ ? માતા સાથેનાં સંબંધનાં પાયામાં વેદના છે. એ વેદના તેને એનાં બાળક માટે પ્રચુર માત્રામાં પ્રેમ કરવાં બાંધે છે. આ સહજ છે , બાળક કે મા બન્નેમાંથી કોઈ એકબીજાને છોડી ન શકે. માનાં વાત્સલ્યમાં અહીંયા ઋજુતા આવે છે. જ્યારે બાપને તો નોકરી , ધંધો , પૈસા , લૉન , ઘરની સ્થિરતા , ઘરનાં લોકોની માનસિકતા , ક્યાંક ક્યાંક તો કકળાટ તો ક્યાંક બધાંની જરૂરિયાતો ઉપર ચાંપતી નજર રાખી એનાં પ્રશ્નોનો હલ લાવ્યાં જ કરવાનો હોય છે. એને ઋજુ રહેવું પોસાય એમ નથી. છતાં તેં નિર્દોષ છે. છોકરાંનું માથું તપતું હોય ત્યારે એને પણ આખો દીવસ એની સાથે રહેવું હોય , સવારમાં દિકરી પુછે કે ક્યારે આવશો ત્યારે એને જવું જ નથી ,રજાનાં દિવસે ઓવરટાઈમ કરવાં જતાં બાળક ફિલ્મ જોવાં જવાની જીદ્દ કરે તો એને પણ આઈ જીદ્દ પુરી કરવી છે ,ભાઈબંધનું રમકડું જોઈને વેન કરતું છોકરું દરેક વખતે ફોસલાવીને ચુપ કરી દેવું એને પણ પસંદ નથી જ. પણ કરે શું ? બંધાયેલો છે. આ બધું અનુભવતાં છોકરાંને એ ક્યારેય એવો સવાલ નથી થવાં દેતાં કે, “બાપા પાસે પૈસા ય નથી ને સમય એય નથી તો કમાય છે શું ?” રાતે વધીઘટી એનર્જી વાળા ને કકળાટીયાં થઈ જાય એનાં પહેલાં એને પણ રમાડી જ લેવાં હોય એનાં સંતાનને પણ એવું શક્ય કેમ બને ? નોકરી-ધંધા કરીને રળશે કોણ ? પણ હશે , આપણે એવી એક ઉત્ક્રાંતિની સંસ્થાનાં ભાગરૂપે જીવીએ છીએ કે જ્યાં એક દાણો લાવે ને બીજો રાંધીને ખવરાવે !

બાપે એનાં જીવનમાં બધું જ સ્પષ્ટ નિહાળ્યું છે. લોકોને સુપેરે ઓળખી પાડ્યા છે. એટલે બહું દુર્લભ અવસ્થામાં જ સંતાન બાપને છેતરી શક્યો હોય. દરેક પુરુષને એવી અભિલાષા હોય કે હું મારા પિતાનાં રસ્તે ચાલું , બળી જાઉં એ પહેલાં એમણે આપેલાંમાં થોડુંક ઉમેરીને જાઉં , ગામમાં ચાર લોકો ઓળખતાં થાય અને છેલ્લે ઘર સુખી રહે ! બાપ એ એવી ધોરીનસ છે કે જેમાં લસલસતું સાહસ , તરબતર અનુભવ અને અપાર ઉર્જા ધસમસે છે. જ્યારે આવકનું પરિમાણ એક જ હોય ત્યારે અંદર બહાર બધુ સાચવ્યા કરવું એ કપરું અને કષ્ટ આપનારું છે.બાપ અને સંતાન વચ્ચેનું અંતર સમયસારણી પ્રમાણે વધુ ઓછું થયાં કરે છે. થોડીક ઉંમર થાય , સાચ્ચે જ બહાર પગ મુકવાનો થાય , પોતાનાં ઉપર ઘરની જવાબદારીઓ આવે , ઘરથી દૂર રહેવાનું થાય , સામાજિક તાણાવાણામાં તણાવાંનું થાય ત્યારે થોડીઘણી ગતાગમ પડતી થાય અને બાપ છોકરાંવની નજરમાં ઊંચકાય. પણ શું બાપની ઈજ્જત એટલે કરવાની છે કારણકે એ ખિસ્સા ભરી દે છે ? ખાવાં આપે છે ? સાચવે છે ? નાં. આદર એમનાં હોવાંપણાનો કરવો જોઈએ. છોકરાંવ ને ઉછેરવા અને સાચવવા એ દરેક મા બાપનું કામ છે જ , કંઇ નવું ય નથી પણ એટલે એની કદર ન થાય એ વ્યાજબી નહીં. એમણે કરેલાં ત્યાગ માટે ઉપકૃત રહેવું એમાં શાલીનતા છે. એમ કરવાથી તમે દૂર રહીને પણ નિકટતા અનુભવી શકો છો.

બાપ અને દિકરા કરતાં બાપ અને દિકરીનો સંબંધ વધું વાચાળ હોય છે. દિકરીઓ બાપ ઉપર વિશેષ હક કરી શકતી હોય છે. અને બાપ પણ દિકરી સામે – એનાં સ્નેહ સામે પોતાને વામણો સમજતો હોય છે. અહિયાં બાપને પણ ઋજુ બનીએ જ છૂટકો. જેમ જેમ દિકરી મોટી થતી જાય એમ એમ એ પિતાને એમની માતાની જેમ સાચવતી થઈ જાય છે. એ નિર્ભેળ પ્રેમનો સાક્ષી બનવા દરેક પુરુષ ઝુરે છે. પાછું બંન્ને પક્ષે એવું કે એકબીજા વગર ચાલે નહીં. પત્નીનાં અભાવમાં દિકરીઓ વિશેષ ધ્યાન રાખતી હોઈ એવાં કિસ્સાઓ ધ્યાને છે મને. બાપ અને દિકરા વચ્ચે પણ મદદરૂપ થાય એવી સંવાદિતા કેળવાંવી જોઈએ.

બાપ એ ઘરનો રાજા છે. એમને એ રાજા રહેવાં દેવા જોઈએ. પત્નીઓનો અને વહુઓનો ખાસ પ્રયત્ન હોય છે કે એમનો કાંકરો નીકળી જાય. એમને બોલતાં બંધ કરી દેવાંમાં દીકરાઓ પણ ખાસ્સા માહેર હોય છે. પણ આ બધું ઘણું જ ઝેરી સાબીત થાય છે. જે ઋણમાંથી તમે મુકત જ નથી થઈ શકવાના એમાં વધું ઋણ શું કામ ઉમેરવાનું ? એમને બોલવા દેવામાંં અને સાંભળવામાં પણ તમે કંઇ ઉપકાર નહીં કરતાં , એ એમનો અધિકાર છે. એક સ્ત્રીની ચુપકીદી દુઃખદ લાચારીનો અને પુરુષની ચુપકીદી પડતીનો સંકેત છે એમ સમજી લેવું જોઈએ. ચોક્ક્સ તમારી વાત રજુ કરી જ શકાય ને સમજાવી પણ શકાય , બધાં જ પ્રકારનાં સંવાદને તક પણ આપવી જોઈએ – એમાં જ શાણપણ છે.બાપનો બાપ બનવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ નહિતર તમે તમારાં સંતાનનાં પણ સારાં પિતા નહીં બનો.

મારા પપ્પાની વાત કરવાં બેસું તો વાતો તો પુરી ન થાય અને કશું ન કર્યાનું ઋણ ચડતું જાય એટલે એમણે આમ કર્યું ને તેમ કર્યું એવી વાતોને અહીં અવકાશ નથી. પણ જે તેં સમયે મારી બધી જ માનસિક , આર્થિક અને સામાજિક જરૂરિયાતોને મા થકી વાચા આપવામાં મારા પપ્પા સુપર સફળ છે , એવી નોંધ તમારે કરવી રહી ! 😉

આદર્શ પિતા અને સફળ પિતાની શું વિભાવના હોય એ ખબર નથી મને. મને તો એમનાં સ્નેહ , સલાહ અને સલામતી ; ત્યાગ , તર્ક અને તર્પણ તથા તેમનાં હામ અને હયાતી સ્વરુપ હેમથી મતલબ છે.

અહીંયા કેટલાંક ગુજરાતી અને હિન્દી ફિલ્મોનાં પિતાપ્રેમ વિશેના ગીતોનો ઉલ્લેખ પણ મને વિષય અનુરૂપ જણાય છે .

  • બાપનો આ પ્રેમ દેખાતો નથી – વેન્ટિલેટર(ગુ.)
  • પા પા પગલી – ચલ જીવી લઈએ(ગુ.)
  • લાડકી – કોક સ્ટુડિયો(સચીન-જીગર)
  • પિતા સે હૈં નામ તેરા – બોસ(હીં.)

બસ લ્યો , બહું ન યાદ આવ્યું. બાકીના તમે કૉમેન્ટ કરજો..

ભગવાન તમને બાપ સામે સાપ બની ફેણ મારવાની ક્યારેય શક્તિ ન આપે ક્યોકિ બાપ બાપ હોતા હૈં , હી હી હી !

માલવ

ભગવાન ભલું કરે !

ઇશ્વર એ અહેસાસ છે , ચેતના છે , ચિંતન છે , ઉર્મિઓનો પ્રવાસ છે !


ભૌતિકવિજ્ઞાન એવું કહે છે કે આખુંય બ્રહ્માંડ દ્રવ્ય અને ઉર્જાનાં સ્વરુપમાં છે. ઉર્જામાં વહનનો ગુણધર્મ છે. બદલાતાં રેહવું એ એનો સ્વભાવ છે. ઉર્જા દેખાય નહીં , અનુભવાય જ છે. હવે માનો કે આ ઉર્જા કે જે આખીય સૃષ્ટિનું નિયમન કરે છે , એને હું સમર્પિત થવાનો પ્રયત્ન કરું. જેથી કરીને એ બધીય ઉર્જા મારામાંથી પસાર થાય , વહન પામે અને અંતે મને કાંઇક જીવ્યા જેવું લાગે. બધાંય કરતાં અલગ , ઉંચી કોટીનું અને અસામાન્ય સહજ પ્રમાણે વર્તાય ! ઇશ્વરની વિભાવના કદાચ આવી જ રીતે પ્રકાશમાં આવી હશે. આપણાંથી ઉપરવટ રહેલી ચેતનાની શરણે આપણે પડીએ એટલે આપણને જ સુરક્ષિત અનુભવાય છે. બધી તકલીફો એક પડમાંથી ચળાઈને આવતી હોય એવું લાગે. કોઈ નાનાં બાળકનું જ ઉદાહરણ લ્યો ને. એને મન ઇશ્વર એનાં માતા પિતા છે , કારણકે એ એને ઉપરવટ છે. બાળકને એવું સમજાય છે કે આ વ્યક્તિ મને વ્હાલ કરે છે ને ખાવાનું આપે છે બસ્સ ! બીજું તો શું સમજાતું હોય એને ? છતાં પણ એ બાળક માતા પિતામાં ઓળઘોળ થઇને રહે છે ,એને મા બાપ ઉપર અપૂર્વ વિશ્વાસ આવી જાય છે , પોતે એમની પાસે સલામત છે એવું પણ અનુભવે છે અને એનાં ઉપર અધિકાર પણ કરે છે. આપણે માણસજાતને બધું દાખલો બેસાડીને સમજાવવું પડે અથવા કોઈ કુદરતી ઘટનાનાં મેટાફર(ગુજ. માં શું કહેવાય ? ) દ્વારા જ સમજાય છે. વિશ્વનાં કોઈ પણ ખૂણે રહેલાં આસ્તિક , નાસ્તિક કે તાર્કિક વ્યક્તિએ માનવું રહ્યું કે કોઈક એવી શક્તિ છે જે મારી કરતાં વધું સમજદાર છે અને આ સૃષ્ટિનું સુપેરે નિયમન કરી જાણે છે. એની અવ્યવસ્થામાં ય એક ભાત ઉપસે છે. એટલે એ શક્તિઓને કહાણીઓ દ્વારા રજુ કરી અને દરેક વાર્તામાં માણસની સામાન્ય જીવનની તકલીફો , પ્રશ્નો , આશાઓ , ઇચ્છાઓ , દુઃખો , વિકારો , રોગો અને આવી કેટલીય વાતો અને વિચારોને વાચા આપી. અને પછી એ વાર્તાનાં અલગ અલગ પાત્રો સાથે અલગ અલગ લોકોને સહાનુભૂતિ વર્તાય અને સંબંધ બંધાય એક પાત્રનો એક વ્યક્તિ સાથે !

જેમ જેમ સમય વીતતો ગયો એમ વધુંને વધું લોકોને એ પાત્રો ઉપર વિશ્વાસ મુકતાં ગયા અને આપણે જ એમને ઉપાધિ આપી ભગવાનની. જેમ જેમ લોકો એનાં સાનિધ્યને અનુભવવા લાગ્યાં , એમ એમ લોકોને ઇશ્વર જ આશરો લાગવા માંડ્યો ! અચરજ થાય , નહીં ? લોકો એમની નજીક શાંતિનો અનુભવ કરે. ઇશ્વર સાથે એમનો નાતો હોય એમ ઇશ્વર એમનાં દિમાગની જ અવસ્થા બની જાય. એટલે સુધી કે કોઈ કળાને બહાર કાઢવી હોય તો ભગવાનની અનુભૂતિ દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે. સાયકોલોજીકલી આપણે કોઈ વાત , વિચાર , વસ્તું કે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીએ એટલે આપણને કામ કરવામાં જરુરી બળ મળી રહે. માનસિક રીતે સમર્થ રાખે. લોકોની શ્રદ્ધા એટલી અટલ હોય છે ને કે પોતે કાંઇક દેખીતા સામર્થ્ય કરતાં વધારાનું કરી જાય. અસાધ્ય રોગમાંથી મુક્તિનાં પણ દાખલાઓ છે જ. કોઈક નેમ રાખીને કામ કરે અને પછી સફળતા મેળવે. હકીકતે તો એ ભેદી ઉર્જામાં વિશ્વાસ મુકી માણસ પોતાનાંમાં જ વિશ્વાસ મુકતો હોય છે. ઇશ્વર સમીપ શાંતિ અનુભવાય કારણકે સ્વ સાથે વાત કરવા મળે અને બાહ્ય પ્રલોભનોમાંથી મન પાછું વળે. આત્મવિશ્વાસ અને સાહસ વગેરે પણ શ્રદ્ધાને લીધે જ કેળવાય છે. કોઈને પૂછશો કે પૂજા કેમ કરો છો , મંદિરે કેમ જાઓ છો , વ્રત કેમ રહો છો , ઉપવાસ કેમ કરો છો અથવા તો ઇશ્વર કોણ છે , તમે જોયા નથી તો માનો છો કેમ … વગેરે જેવાં સવાલોનો કોઈ જવાબ નથી. કારણકે બધાં પુરાવાને તથ્યોની આડ હોય એમ જરુરી નથી અને ક્યાંક પુરાવાની ય જરૂર નથી. ઇશ્વર સાથે સાચેમાં પોતીકું લાગે છે , એ જાણે આપણાં ભુત-વર્તમાન-ભવિષ્યથી વાકેફ હોય એમ લાગે છે. આ કુદરત કે જેમાંથી થઈને આ ઉર્જાઓ અને ઉર્મિઓ વહે છે એ કુદરતની ગોઠવણી ઉપર અને બુદ્ધિ ઉપર આપણને વિશ્વાસ છે , શ્રદ્ધા છે. એનાં જેવું ઉત્તમ કશું જ નથી. કારણકે તમારી કરતાં ઉંચી ઉર્જાને તમે સમર્પિત થાઓ ત્યારે તમે બધી જ તકલીફો , પ્રશ્નો , આશાઓ , ઇચ્છાઓ , દુઃખો , વિકારો , રોગો અને આવાં મનઘડત દ્વંદ્વોમાંથી મુકત થવાં તરફ વહો છો. ટૂંકમાં એટલું તો નક્કી કે સરવાળે આ બધુંય આપણે જ છીએ. હું મારામાં ઈશ્વરને જોઈ પણ શકું અને અનુભવી પણ શકું , મારાં દિમાગનાં એ ભાગ ઉપર વિશ્વાસ મુકી હું બધે જીતી પણ શકું. હું કર્મ કરી પણ શકું અને સાક્ષીભાવે જોઈને સમજી પણ શકું.આહા ! કેટલું અદ્ભૂત મગજ આપ્યું છે (એ જ ઈશ્વરે) ! પણ જો કોઈ ખુદને ઇશ્વર સમજવાની ભુલ કરી બેસે તો આત્મશ્લાઘા ને અભિમાનથી મુકત જ ન થઈ શકે. કર્મભાવમાંથી મુકત પણ ન થઈ શકે. એટલે આમ પોતાની પણ આમ પોતાની નહીં એવી આ બીના પવિત્ર જ હોય એમાં બેમત નથી. આટલી પર્સનલ અને પોતીકી વાતને પોતાની રહેવાં દેવી જોઈએ. ‘ફિલિંગ ગુડ એટ સોમનાથ ટેમ્પલ’ , ‘મહાકાલ કા ભક્ત હૂં ‘ , ‘ જો હિન્દૂ હોવ તો શેર કરો’ વગેરે જેવી વાહિયાત પોસ્ટ અને આખેઆખા સ્તોત્ર , આરતી ને ભજનો સ્ટેટસમાં વારતહેવારે મુકી – મુકી ખુદની પવિત્રતા ડહોળાવાં ન દેવી જોઈએ ! સૌ સૌની રીતે ઉપાસના કરતું જ હોય , આપણે ન કહીએ તો પણ !

મને હંમેશા એવું લાગ્યું છે ને એવું જ સમજ્યો છું કે , જેને સાચ્ચેમાં આપણી પડી છે , જેને આપણી જરા સરખી દરકાર છે અથવા જેમનું સાનિધ્ય આપણને વ્હાલું છે એમની નિકટતા અથવા કહો એમનાં સુધી પહોંચવાનો રસ્તો અઘરો ન જ હોઈ શકે. એટલે ઈશ્વર સુધી પહોંચવું કે એની અનુભૂતિ અઘરી ન હોઈ શકે. અઘરી કદાચ સ્વભાવને થઈ પણ પડે તો ય કંટાળાજનક અને અર્થહીન તો ન જ હોય. અમે લોકો કાશ્મીરનો પ્રવાસ કરીને પાછા વળતાં હતાં ત્યારે નક્કી કર્યા અનુસાર ‘મા વૈષ્ણોદેવી’નાં દર્શન કરવાનાં હતાં. અમે નીચે કટરાની એક હોટેલમાં ઉતર્યા હતાં. સાંજનાં છ-સાત વાગે નીકળ્યાં હતા ઉપર ચઢવાં. આપણને તો આમ થોડીક અદ્ધર લાઈટ દેખાય એટલે મને એમ કે ત્યાં તો હમણાં પહોચી જવાશે. થોડુંઘણું ખાઈને અમે તો નીકળી પડ્યાં. અમે પાંચ પરિવાર સાથે ગયેલાં પણ સૌ સૌની શારિરીક લચકને આધારે રસ્તો ખૂંદતાં. આમ ઉપર ઉપર જતાં જઈએ એમ લાઈટ્સ દેખાતી જ જાય પણ ગર્ભગૃહ આવે નહીં. ધીરે ધીરે હવે તો શહેર આખું આમ ક્યાંક આઘેથી ટમટમી રહ્યું હોય એટલાં ઉપર આવી ગયા હતાં. ધીરે ધીરે થાક વર્તાતો હતો. બાર વાગ્યાં આસપાસ તો ઉંઘ પણ આવવાં લાગી હતી. રસ્તો ખૂટતો જ નહોતો. આપણને એમ કે બાર તેર કિલોમીટર ચડવું એટલે શું ? (નાં નાં એવરેસ્ટ જેટલું ઊંચું નથી) પણ આ ગોળ ગોળ પર્વત ચડીને જવામાં હાંફી જવાયું. પહોંચવા આવ્યાં ત્યારે હજી કેટલું દુર છે એનો અંદાજો અમે લગાવી ન શક્યાં , અમે ઘોડાંવાળાને ઉભો રાખ્યો ને બેઠાં. લગભગ ચાર આસપાસ ત્યાં પહોચ્યાં હશું અમે ! અભી તો સૌથી પહેલાં પહોચી ગયેલો !! આવતી વખતે તો છેક ઉપરથી નીચે ઘોડા ઉપર જ આવ્યાં. પણ ઉતરતી વખતે એ આમ ત્રાંસોં રહીને ચાલે ને રસ્તાની કોરે – કોરે ‘ટાકટોક ટાકટોક’ કરતો હાલે. એની સાથે એનો માલિક એ જ ગતિએ દોડતો હતો. મારાં બેટાની નરવાઈ તો જુઓ ! એક રીતે એ નાનપ પણ થોડી હતોત્સાહી રહી હતી. પોહ ફાટ્યા પછીનું અજવાળું આવું આવું થાતું હતું ને મને ડર હતો કે આ બાજુમાં દેખાય છે એ ખીણની ક્યાંક હું ઊંડાઈ માપી ન લઉં ! નીચે આવતાં આવતાં મારી કમર લગભગ ઓગળી જ ગઈ હતી ! કરોડરજ્જૂનાં છેડે લોહી પહોંચવાનું બંધ થઈ ગ્યું હોય એમ લાગતું. ટાંટિયા ખરી જવાની આરે હતાં. છેવટે સાતેક વાગ્યે અમે પહોંચ્યા ખરાં નીચે ને પછી તો હોટેલનો પલંગ જ દેખાણો સીધો ! વાર્તા અહિયાં પુરી નથી થતી. છેક ઉપર સુધી પહોંચ્યા હોવાં છતાં મેં દર્શન કર્યા નથી. દરવાજે દીવાદાંડી બનીને ઉભો હોઉ એમ હું ત્યાં બહાર જ અડીખમ હતો. એલ.સી.ડી.માં બહાર જેટલાં દેખાતાં એટલાં દર્શન કર્યા ખાલી. એક તો ઉપર પહોંચતા પહોંચતા જ હાજા ગગડી ગ્યા’તાં ને એમાંય લાંબી લાઈન. વચ્ચે બધાં બુટ ચપ્પલ પહેરીને જતાં એટલે હું પણ ગ્યો બુટ પહેરીને પણ મને રોક્યો પોલીસે. એ પછી પાછા બુટ કાઢીને કોણ પાછુ લાઈનમાં ઉભું રહે ? એટલે માંડી વાળ્યું. મેં કીધું ભલું કરે ભગવાન ! હજી આમ કોઈક પૂછે કે વૈષ્ણોદેવી ગયેલો ? તો હા પાડવાની અને એમ પૂછે કે વૈષ્ણોદેવીનાં દર્શન કર્યાં? તો નાં પાડવાની ! આપણે હેલિકોપ્ટરમાં બેસીને મા વૈષ્ણોદેવીનાં ખોળામાં ઉતરીએ એવો વેંત ન થાય ત્યાં સુધી જવું જ નહીં એમ વિચારી લીધુ જ છે ! તમે કોઈ જતાં હો તો ત્યાં ઉડનખટોલા ચાલું થયાં કે કેમ એમ પૂછાવી લેવું એટલે શું કે ધક્કો ન થાય ! મને એમ થાય કે આપણે આમ આટઆટલી વેદનાઓ વેઠીને જાત્રા કરીએ ને આમ ડુંગરાઓ ખૂંદી વળીએ ત્યારે આમ ત્યાં પહોંચીને આપણુ સબકોંન્શીયસ માઈન્ડ ઈશ્વરને એવું જ કહેતું હશે ને કે, “જોયું કેવું કરી બતાવ્યું !” પાછા એય આપણી અંદરની જ શ્રદ્ધાનાં જોરે. ભીતરની ઉર્જાને પૂજવાંનાં ભાગરૂપે ‘ઈગો બુસ્ટ’નાં ટ્રેપમાં તો નથી ને આપણે ક્યાંક ?

ભગવાન છે કે કેમ ? મારા અસ્તિત્વનો શો સાર ? શું હું જ ભગવાન છું ? કે મારી અંદર ભગવાન છે ? મારું સર્જન કોનાં સારુ થયું છે ? વગેરે સવાલોનાં જવાબ ભૂખ્યા પેટે અને વૈશાખનાં બળબળતા તડકે વિચારવા મથજો !

-માલવ

આકરાપાણી

દોઢ સો જેટલી અળખામણી પ્રજા સાથે રોજ પંચાવન મિનીટ પનારો પાડી શકતો મનુષ્ય એટલે શિક્ષક !


શિક્ષક એટલે ? અભ્યાસક્રમ પૂરો કરી જાણે એ !? વિદ્યાર્થીઓ સાથે મશ્કરી કરતાં આવડે એ !? બુલેટ અને સ્પોર્ટ્સ બાઈક લઈને એન્ટ્રી પાડે એ !? વિદ્યાર્થી સાથે નાસ્તા પાણી કરી અને પાનનાં ગલ્લે દ્વિઅર્થી બોલી જાણે એ !? બોર્ડ વર્ક જેમનું બહું સરસ હોય એ !? અ.. હઃ.ના. શિક્ષક એટલે શીલ , ક્ષમા અને રુણાથી ફાટફાટ ચૈતન્ય. કમનસીબે હાલ બહું જૂજ આવાં શિક્ષક લભ્ય છે. ચા ચરે એ ટી-ચર , એવું જ કૈંક દેખાય છે. શિક્ષક એ બહું વહાલો વિચાર છે. બાલમંદિરમાં એક સૌમ્ય અને વાત્સલ્યવાન સ્ત્રી ભણાવે – કે જે એક બાળકને સારી રીતે સમજી શકે છે , વ્હાલ કરી શકે છે અને ખીજાય પણ શકે છે. આગળ જતાં એ સ્ત્રીઓ ફેડ આઉટ થાય ને મૂંછોવાળા સાહેબો ભણાવવા આવે. હજું આગળ ભણો તો અનુભવી અને બિનઅનુભવી એવાં આધેડ ભણાવવા આવે. ને એનાં પછી તો ભાઈ કૉલેજમાં મોટી મોટી ફાંદ વાળા સાહેબો જ્જ આવે(હાહાહા!). દરેક શિક્ષકની મસ્તી કોઈનાં કોઈ રીતે થતી જ હોય છે (જે એમને ખબર હોય છે) , કોઈ બાકાત નથી પણ ક્યો શિક્ષક એને કેમ ઝીલે છે એ પારાશીશી છે ! અલગ અલગ શિક્ષકોને બુદ્ધિથી જવાબ દેતાં ય જોયા છે અને કોઈ કોઈને એકલાંમાં રડતાં પણ જોયા છે. વિદ્યાર્થી તો મજા માટે જ આવે છે – એ તો ટ્યુશનમાં ભણે છે , કૉલેજમાં હોય તો ભણવું એટલે શું એ એને યાદ જ નથી , એટલે ખાલી એકાદું એવું ઇમ્પલ્સ અથવા એકાદું પ્રભાવબીજ કાફી હોય એનાં વિચાર બદલવા ! ને એ બદલાય જ. શિક્ષકનો ગુસ્સો એ ઉભરો છે , સ્વભાવગત ચીડ અને વિદ્યાર્થીનાં નાસમજ વર્તનની હદ છે. એને શમી જ જવું પડે.

હું પ્રાથમિક ભણ્યો ત્યાં સેન્ટ મેરીમાં મારું શિક્ષકો પાસે સઘળું માન મારા ભાઈને લીધે હતું. કોઈ કોઈ તો બોલાવે પણ અભિષેકનાં નામે ! હવે એ શાખને રાખ ન થવા દેવી અને આપણને પણ સૌ ઓળખે એવી આંતરિક ઇચ્છા સાથે હું ત્યાં ભણવાનો પ્રયત્ન કરતો. મારે રહેવું હોય નફ્ફટ અને નામ ખરાબ થવા ન દેવું હોય પાછુ. લેશન કરું નહીં ને પછી ત્યાં બહાર કાઢે એટલે રોવા બેસું ! ક્યારેક ક્યારેક કોઈક ખીજાય ત્યારે પુછે, ” તું અભિષેકનો ભાઇ ને? એ તો બહું ડાહ્યો હતો.” એટલે લાગી આવે. મારાં અક્ષર વિશે મને ખાસ ટિપ્પણી મળતી. એકવાર ફાલ્ગુની મીસે એમ કિધેલું કે,”અક્ષર તો જો તારા મોઢા જેવાં કાઢ્યા છે.” બધાંની નોટમાં વેરી ગુડ ને મને અક્ષરો સુધારો ! અમારે ત્યારે ચિત્રમાં કાળી સ્કેચપેન વપરાવતાં. આ જ ફાલ્ગુની મીસનો તાસ શરુ થયો ને હું ખબર નહીં એ સ્કેચપેન સાફ કરતો હતો. કુતુહલ તો એટલું ને કે મગન જ થઈ ગ્યો હોઉં. એ મીસ આવ્યાં ને બારીની બહાર ફેંકી દીધી સ્કેચપેન ! એ હજું જડી નથી મને. આમ ક્યારેક સિસ્ટર મેદાનમાં દોડાવે તો ક્યારેક અનિલ સર દીવાલ બાજુ કરીને ઉભો રાખે ને ક્યારેક હિના મીસ અધૂરી પાકીનોટ માટે બેન્ચ ઉપર ઉભો કરી દે તો ક્યારેક તૃપ્તિ મીસ તમાચો ચોડી દે , એ અત્યારે સામાન્ય લાગતું બધું જ ત્યારે સખત માનભંગ થતું હોય એમ લાગતું !

પછી હાઇસ્કુલમાં મેં સ્કુલ બદલી , બી એમ કોમર્સમાં એન્ટરન્સ ટેસ્ટમાં બીજો નંબર આવ્યો ‘તો ત્યારે ; એટલે મને એમ કે અહિયાં આપણુ કાંઇક થાશે. રક્ષાબેન વર્ગશિક્ષક હતાં અને પ્રાથમિકનાં માહોલમાંથી બહાર કાઢવાની એમની મથામણ યાદ છે મને. અંગ્રેજીને એક વિષય તરીકે ત્યારથી જોવાનું શરુ કર્યું મેં ! એ ઝીણું બોલતાં ને આખું હસતાં. સજલસર દર શુક્રવારે જલસો કરાવતાં. એમનો બાંધો સુદ્રઢ હતો અને ભણાવવામાં પણ સારી એવી પક્કડ. રક્ષાબેન ખાસ જોક્સ , નાટક , વાર્તા વગેરેનાં સેશન્સ રાખતાં. લાલજીભાઇ એમનાં આગવા જ અક્ષરો અને ‘શ – ષ’નાં ઉચ્ચારો માટે જાણીતાં. કવિતાઓ ગાય અને ગવરાવે. આમ ઘણાં શિક્ષકો નાં આધારે અમારી વેલ પાંગરી. બે વર્ષ ભણ્યા પછી દસમાં ધોરણમાં સોળે કળાએ ખીલી ઉઠ્યા હતાં સૌ. બધાં ટ્યુશનમાં જ ભણતાં , સ્કૂલે તો હાજરી માટે જ જવાનું થાતું. ત્યાં એક સર : ડોબરીયા ભાઈ સખત પડછંદ અને અનુભવી શિક્ષક. એમનાં લેક્ચરમાં વાતો ન થાય ! હું ને મારો ભાઈબંધ ચિંતન તોયે કરતાં. મજાક મશ્કરી જોક્સ ને ચુગલી બસ્સ ! બીજી જ બેન્ચ ઉપર બેસીને આ સાહસને અંજામ આપી દેતાં અમે. સાહેબ રોજ જુએ અમને. એક દીવસ સાચ્ચે જ્યારે વાતો નહોતાં જ કરતાં ત્યારે એ જબરું ખીજાણા અમને બેઉને. એ કાંક સખત મજાક ઊડાવનારુ જ બોલેલાં પણ શું એ યાદ નથી કારણકે ગિલ્ટ ફેક્ટર હાવી થઈ ગયેલો. એમણે અમને ક્યારેય એમનો લેક્ચર ન જ ભરવો એમ તાકીદ કરી. મેં કીધું માર્યા ! આવું તો ક્યારેય થયેલું નહીં. કરવું શું ? અમે સરની પાછળ પાછળ ફર્યા કરીએ. સોરી-સોરી કહ્યા રાખીએ. એટલું સસ્તું મેં ક્યારેય નહોતું અનુભવ્યું. એમણે માફીપત્ર લખવા કહ્યું. એમાં શું લખવાનું હોય એ પણ ખબર નહીં. બે દીવસ એમણે કાયદેસર લેક્ચર ન જ ભરવા દીધો અને પછી ત્રીજે દીવસથી એમણે બોલાવીને બેસાડ્યા ! આ બધું યરવડા જેલની આકરાપાણીની સજાથી કમ નહોતું. એ પછી કોઈ શિક્ષકે આટલું ખાસ ખીજાવું પડયું નથી.

શિક્ષક પાસે જ્ઞાન બે દોરા ઓછું હોય તો ચાલી જાય પણ જો એનું ધ્યેય વિદ્યાર્થીનાં વિકાસથી બીજે કશેક ભટકતું હોય તો વાત વિચારવા જેવી. શિક્ષક એક આખી જનરેશન તૈયાર કરે છે. પાઠ્યપુસ્તક તો બાળક એ ઘરે વાંચી લેવાનું , પણ જેને સાચવવામાં મા બાપ ગળે આવી જાય છે એવાં બાળકોને આ પ્રતિભા કેવુંક ઉછેરી શકે છે એનાં પર બધો ઝોક છે. પહેલાં મા બાપ સામેથી એમ કહેતાં કે તમતારે ખીજાજો, મારજો એને. હવે વાલી સામેથી જ એમ કહી દે કે તમે એને કશું કહેશો મા. જેમ બેન્કમાં કેશિયર ક્યારેક ઉદ્ધત જવાબો આપી દે છે, કામવાળી બાઈ તૌરમાં બોલી જાય છે, ક્યારેક સાવ અમથા સીટી બસનાં કંડકટર સાથે ઝઘડો થઈ જાય એમ શિક્ષક ક્યારેક અમથું ખીજાય પણ લે. એમાં વાંધો નહીં. આપણે કોઈ સીધું સીધું જીવી શકવાના નથી. બહું જટિલ અને ગૂઢ જીવીએ છીએ આપણે ! ઘરે જઈને સૌને પ્રશ્નો ક્યાં નથી ? શિક્ષકોને પણ આજે ભારે તાલિમ આપવાની જરૂરિયાત છે. બે વેકેશનની લ્હાયમાં જ ઘણાં તો આ નોકરી સ્વીકારે છે. આ જવાબદારી છે , ખાલી પાંચમી તારીખનાં પગાર સુધી આ સીમિત નથી. હજી પણ અહીંયા ડિસ્ટંસ લર્નિંગ અને વિડિઓ લેક્ચર ને સ્માર્ટ એજ્યુકેશન એવું બધું અરધુપરધુ ઘૂસ્યુ છે છતાં સર્વસ્વીકૃત બની શકવાનું નથી. હજી બાળકોંને મા બાપ સારી સ્કુલમાં મુકી સર્વાંગી વિકાસ પર ભાર દેવાં ઈચ્છે છે. હજી હોંશે હોંશે વાલી એને એટલાં માટે મોકલે છે કારણકે એને એ વિશ્વાસ છે કે , સવારથી સાંજની નોકરીમાં જે ઘડતર અમે નથી કરી શકતાં એ આ શિક્ષકો કરી જ શકશે અને એને સારો માણસ બનાવશે ! બાકી બધું આંગળીનાં ટેરવે જ છે ને હવે , શું કામ કોઈ ખોટાં ખર્ચા કરે ? શિક્ષક પણ એક વિદ્યાર્થી જ હોય છે ને, એ જ બધી પાટલીઓમાંથી આપણી સમક્ષ આવીને ઉભા હોય છે એ !

જે ક્યારેય સમજવાનું બંધ ન કરે એ સમજાવવાનું ક્યારેય બંધ ન કરે. જે શીખવાનું બંધ ન કરે એ ક્યારેય શીખવવાનું બંધ ન કરે. શિક્ષક બનવું એટલે શીખતાં શીખવું. આ અવિરત પ્રક્રમ છે, એ સ્વને ઓગાળવાની ભઠ્ઠી બંધ થાય જ નહીં પછી તો !

પાંચ તેરી ને પંદર કર , આંખ તું તારી અંદર કર .
ફતેહ કર , ઝાંઝવાનાં કિનારે તું મોટા બે બંદર કર !

જીઓ ગુરુજી જીઓ !

-માલવ

મને કોઈ સમજતું નથી !

હે ઇશ્વર એક વરદાન દે , બસ માત્ર એક કદરદાન દે…


આપણને સૌને એમ લાગે છે કે મને કોઈ સમજતું નથી. નાનપણથી જ એ ખપ પોષાતો હોય. એ જીવનભર અસંતોષ જ રહ્યાં કરે. “યાર યાર” કરીને નિસાસા નાખ્યા કરીએ. હકીકતમાં તો ખુદને જ સમજી શકવામાં નાપાસ થયાંનો આ એક નબળો પ્રતિસાદ છે. સૌથી પહેલાં જાતને અમુક સવાલો પૂછવાની જરૂર છે જેમ કે, કોઇકને સમજવું એટલે શું ? શું હું મને ખુદને સમજુ છું ? આ બે સવાલથી શરૂ કરો તો સમજાય કે આપણે ઘણું છીછરું જોઈએ છીએ. સંબંધોમાં ખણખોદ કરી , “એ ક્યાં સમજે જ છે” એવું કહી નાખીને આપણે સેતુ તોડી નાખીએ છીએ. એલા ભાઇ તને વધું સમજાતું હોય તો સમજાવ ને એને. આટલો એંટ શેનો છે? અમુક લોકો સાચ્ચે જ આપણાં માટે ટોક્સિક હોય છે – એ સમજાવ્યા ન જ સમજે છતાં એનાં પ્રત્યે કરુણા હોવી જોઈએ કે ઇશ્વર એને સદબુદ્ધિ આપે ! જે સમજતો હોય એ ક્યારેય સમજાવવાનું બંધ જ ન કરે. એ પોતાની ખામીઓને પણ બરાબ્બર જાણતો હોય. એને સાચ્ચેમાં કોઇકનાં ઉદ્ધારમાં રસ હોય , નહીં કે પોતાના જ્ઞાનની ફિશિયારીઓ મારવામાં ! બીજો પ્રશ્ન અહિયાં ઉભો થાય પોતાની સમજાવી ન શકવાની અણઆવડતનો. બધાં પોતાની વાત રાખવામાં કુશળ ન હોય – એ સમજી શકાય. આવાં વખતે વાત આવે ફીલ કરવાની ને કરાવવાની. એટ લિસ્ટ એનાં થકી એ તમારો હેતુ(intention) તો સમજે જ. આપણે લોકોને બહું બેવકૂફ સમજીએ છીએ જે હકીકત નથી. જો તમેે ક્યાંક કોઈક સાચાં હેતુથી જઈને ઉભા પણ રહોને તો પણ અભિવ્યક્ત થઈ જાઓ. અમને થિએટરમાં એવું શીખવાડે કે, તમે જે કહો એ દિલથી અને મનથી કહેતાં હોવ તો , બહાર કામ જ નથી રહેતું કરવાનું – કુદરત તમને ભેટી પડશે અને તમારાં વતી એ તમારી અભિવ્યક્તિ કરશે.

સૌથી પહેલાં તો આપણો ‘હું’ આપણે નાનો કરતાં શીખવું પડે. બધાંને પોતાનું ઘી ઘી જ હોય ને બીજાનું ઘુ ઘુ જ હોય. ન બોલી શકતાં વ્યક્તિને પણ જજ કરીએ છીએ ને આપણે ? એનો સ્વભાવ પણ નીરૂપાય જ છે ને ! આપણે સમજવું પડે કે હું ક્યારે કેટલો ગુસ્સે થાઉં છું ? હું ગુસ્સે થાઉં ત્યારે બહારથી હું કેવો દેખાઉં છું. હું ગુસ્સો દેખાડવામાં ક્યાંક ઘૃણા પ્રતિબિંબિત કરતો નથી ને ! એવું દરેક ભાવમાં ! કઇંક ને બદલે કઈંક તો નથી ચિતરાતું ને ? બધી વાતમાં વહેમ ન કરવો. જો સંદેહ થતો હોય કાંઇ કહેવામાં,બે મન થતાં હોય, દ્વિધા થતી હોય તો એ પણ કહી દેવું. તમે એ ઢાંકી નથી શકવાના. આપણું કિધેલું કે દીધેલું કોઈ ભૂલી શકે પણ આપણાં થકી એ જે અનુભવે એ કોઈ દીવસ ભૂલી ન શકે. આપણે કોઈકને માટે કાંઇક કરીએ , પછી એ એવી જ રીતે પાછુ મળે એવી આશા બાંધીએ અને એ તંતુ તૂટે એટલે સંબંધ તૂટે. એ તમે નથી. કશું પણ મેળવવાની અભિલાષા મુકીને કાંઇ કરવું હોય તો કરવું , બાકી ખુદને હજું સધ્ધર કરવી ઘટે છે એમ સમજવું. આની જ સાથે જોડાયેલી વાત છે જશની. તખ્તા ઉપર જીવતાં કલાકાર તાળીઓનાં ભૂખ્યાં હોય છે. પણ ક્યારેક ટમેટાં ય પડે! ક્યારેક કશું જ ન પડે , કાર્યક્રમ પછી સોપો પડે સીધો એવું પણ બને. આપણે કરેલા કામને લોકો વખાણે , સમજે અને એને અનુરુપ યથાર્થ સુચન કરે એવું ગમે , પણ એવું બને નહીં હંમેશા. તમારો જશ બીજો ખાટી જાય એમ પણ બને. શું કરો? એનાં કરતાં ખુદને જ કેમ ન સંતોષીએ ! મને આ કામ ગમે છે એટલે હું કરું છું, કોઈકના કહેવાથી હું માઠું લગાડીશ તો ય આ જ કામ કરવાનું છે મારે હરહાલે : આવું એકવાર સમજી લેવાથી તમે બહેતર દેખાતાં જશો. બહાર ઓછું ને અંદર વધું ધ્યાન હશે. માનસિક તંદુરસ્તી પણ વધે છે. આ બધાં સાથે મારો એવો સહેજે મતલબ નથી કે સ્વકેન્દ્રી બની જાઓ. બસ પોતાનું કેન્દ્ર ગોતી લો , એટલી જ વાત છે. નફ્ફટ ને નાલાયક થઈ જવું એમ જરા પણ અર્થ નહીં મારો.

તમારાથી વધારે તમને કોઈ સમજી ન શકે, એ વાત ગાંઠ મારી લો(ખુદના જ રૂમાલમાં!) . કોઇના વગર કે કોઇના થકી આ જગત ચાલતું નથી. બધાંની અવેજી તૈયાર જ છે. લોકો અણધાર્યા જ વરતશે , છે કાંઇ ઈલાજ ? નહીં – તો શું કામ જીવ ઉકાળા ! મૃત્યુશૈયા ઉપર પણ હજી કેટલો ચંચુપાત બાકી રહી જશે એની ચિંતા રહેતી હોય તો …. નસીબ બીજુ શું ! આ મારી જ સૌથી મોટી તકલીફ છે એવું મને લાગે છે , બીજાની ન પણ હોય. મને એવું લાગ્યા કરે કે , કોઈ સમજતું નથી – સમજતું નથી ! ત્યારે એમ થાય કે આટલાં ભેદી શાને રહેવાનું ? એટલે જ કોણ તસ્દી લે સમજવાની માથાકૂટમાં ? એવું તેં શું ગહન જીવવાનું ? આવે વખતે એક પોતીકી સ્પેસ સાથે લઇને ચાલવું જરુરી બને છે. કેટલું , કેવું , કેવી રીતે અને શું આપણે દેખાડવું એની સમજ પણ કેળવવી જરુરી છે. જે તમને સમજતો નથી એ નાસમજ છે એવું ન માનવું. હશે ,જેવી જેની સમજ એવું એનું વર્તન એમ મનમાં રાખવું. કમ્ફર્ટ ઝોનની બહાર જઇને પણ ખુદમાં કરવાં પડતાં ફેરફારો કરવાં. તમને સમજવા તમે પુરેપુરા સક્ષમ છો – અભિનંદન !

ઈશ્વરે ચીંધી આંગળી મારી જ તરફ , આ ખુદને જો કદરદાન મળ્યો !

-માલવ

એકડે એ..ક !

એકડા શીખવાની ઉંમરે ઠેકડા માર્યા , એટલે ચોપડીમાં નકરા ચેકડા માર્યા !


“માલવભાઇની પ્રગતિ ઘણી સરસ છે . ઈત્તર પ્રવૃત્તિમાં પણ સરસ દેખાવ છે . હવે આપનું બાળક પહેલાં ધોરણમાં પ્રવેશ લેશે , અભિનંદન .” બાલમંદિરનાં પ્રગતિ પત્રકમાં લીલા મીસે લાલ અક્ષરે લખેલું આ લખાણ હજું યાદ છે . હું જ્યારે પહેલાં ધોરણમાં પ્રવેશ્યો ત્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકનાં વર્ગો બપોર થી શરૂ થતાં , લગભગ બારેક વાગે . એ મારો છૂટવાનો ટાઈમ ! નાનપણમાં મારો સ્વભાવ મસ્તીખોર નહી પણ ચંચળ બહુ હતો. બધું અડ – અડ કર્યા કરવાની જબરી ટેવ . એ આદત કદાચ હજુ પણ હશે છતાં હવે એમાં ગંભીરતા અને તર્ક ભળ્યા હોય મુશ્કેલી ઓછી પડે છે .

અમારે બાલમંદિરમાં ચિત્ર , રમત , લેખન અને વાંચન એમ બધીય પ્રવૃત્તિ કરાવતાં . લેખન માટે એક નાનકડી નોટબુક , એક પેન્સિલ , એક રબર – સંચાની જોડી અને એક મજાનો કંપાસ હતો . આછું પાતળું યાદ છે ત્યાં સુધી એ પહેલો દીવસ હશે બાલમંદીરનો . લીલામીસ બોર્ડ ઉપર કાંઈક લખતાં હતાં . થોડુ લખ્યાં પછી એમણે કહ્યુ કે તમારે પણ બેસી નથી રહેવાનું . લખો . અમે લખવાનું શરૂ કર્યું . આખુ બોર્ડ જોતજોતામાં એમણે ભરી મૂક્યું . બોર્ડ ઉપરથી ઉતારવાનો એ પહેલો અનુભવ અને પ્રયત્ન હતો . એટલે અઘરું પડતું હતું . કારણકે ત્યાં સુધી પાટીમાં જ લખતાં હોઇએ . થોડી વાર રાહ જોઇ એમણે . મેં બધુ લખી નાખ્યું અને વાતાવરણમાં એક વિજયી સ્મિત વહેતું કરી નાખ્યું . થોડીવાર રહીને એ બધુ ભૂસવા માંડ્યા . મને આશ્ચર્ય થયું . મને થયુ આ ભૂંસે છે કેમ આ !? પણ જાજુ વિચાર્યા વગર હું પણ મારુ રબર કાઢીને નોટબુકમાંથી ભૂંસવાં ચોંટી પડ્યો બધું . મેં અને મીસે બધું લખેલું ભૂંસી કાઢ્યું . ઘરે આવીને મમ્મીએ લખેલાં ખરાબ અક્ષર અને ખરાબ ભૂંસેલું જોયું . એની પછી સમજાણુ કે શિક્ષક તો નવું લખવા જૂનું ભૂંસે , આપણે નહીં ભૂંસવાંનુ . આપણે પાનું ફેરવીને લખવા માંડવાનુ .

આમ બાલમંદિરમાં બે વર્ષ કરીને પ્રગતિપત્રકમાં છ સ્ટાર લઈ હું પહેલાં ધોરણમાં પહોંચ્યો . એ ઉત્સાહ અનન્ય હતો . કારણકે મોટા બિલ્ડીંગમાં ભણવાનું . નવો જ સ્કુલ ડ્રેસ આવે સાવ . બેલ્ટ , ટાઈ , ધોળા શર્ટમાં રાખોડી ચોકઠાં ને નીચે એ જ રાખોડી ચડ્ડી (ગોઠણ સુધીની ) અને કાળા બુટ – ધોળા મોજા હોય જ . પહેલે દિવસે ભરત ભાઈની રીક્ષા આવી , ત્યાં ગયા અને ક્લાસ પણ ફાળવવામાં આવ્યો . ઘણો મોટો ક્લાસ હતો એ . આગળ જતાં એ કલાસને સ્ટાફરૂમ બનાવેલો ! બહું બધાં જાણીતાં અને અજાણ્યા ચહેરા હતાં . એ દિવસે હું ઘરે પાછો આવીને રડ્યો હતો . ઘરે પુછ્યું તો મેં કહ્યું , “હું તો ખાલી બેન્ચ ઉપર પગ ચડાવીને બેઠો હતો ,એમાં મને ઉભો કર્યો , ખીજાણા અને દીવાલ બાજું મોં રાખી ઉભો રાખ્યો” . “પિરિયડ ચાલુ હતો ?” મને પુછ્યું . “હા” મે કહ્યુ . “તો તો ખીજાય જ ને !” એમ કહી હસવા લાગ્યાં ઘરમાં . ઘરની જેમ બીજે ક્યાંય નહીં ઘરે જ રહેવાય એ શીખ્યો ત્યારે હું . પ્રોફેશનલ જીવન તરફ પહેલું પગથિયું માંડી દીધું હતું મેં .

નાનપણથી ખાવાનો હું શોખીન . ખાવાં વધારે નહી વારે વારે જોઈતું હોય મારે . સ્કુલમાં ખાવા હંમેશા નાસ્તાનો ડબ્બો આપતી મમ્મી મને . પણ મને હંમેશા એ ઓછું જ લાગતું . એટલે મોટા ડબ્બા ને વધારે નાસ્તાની હું સતત માંગણી કરુ . એવાં સમયે ઘરેથી એક જ જવાબ મળે , “નાસ્તો છે ,જમવાનું નહી .” આ નાસ્તા અને જમવાનાં પ્રમાણને વર્ગીકૃત કરવામાં હું ભૂખ્યો રહી જતો . આ માટે આવી તત્ક્ષણ ભુખને તૃપ્ત કરવાં પહેલાં પાટીનો પેન ખાતો અને પેન્સિલ આવ્યાં પછી ચેકરબર આખેઆખું ધીરે ધીરે કરીને ખાઈ જતો હું . હું અને ભાઈ એક જ રીક્ષામાં આવતાં અને જતાં . બન્યુ એવું કે છેલ્લાં તાસમાં અમારાં શિક્ષિકાબહેને અમને ગૃહકાર્ય આપ્યું . બોર્ડ ઉપરથી એ રોજનીશીમાં ઉતારી લેવા એમણે કહ્યું . વળી એ જ દિવસે ખાતાં ખાતાંં હું મારું આખું ચેકરબર ઓહીયા કરી ગયેલો . પહેલાં ધોરણનો જ એ ક્લાસ . હું લખતો હતો એવાંમાં મેં કાંઇક ભુલ કરી એટલે રબરથી ભૂંસવાંનું એવી સામાન્ય સમજ હોય ! પણ રબર તો ક્યાંથી હોય ? હું મુંજાયો . હવે કરવું શું ? બેલ પડ્યો . ક્લાસ છુટી ગ્યો ને હું વિચાર્યા કરુ કે આ ભૂંસીને લખવું કેમ હવે ? હવ તો પેલાં હાઇસ્કુલ વાળા પણ ક્લાસમાં આવી ગયા . છતાં એટલું દિમાગ ન ચાલે કે પેન્સિલથી છેકો મારી આગળ લખવા મંડાય ; પણ નહીં , ગો થ્રૂ પ્રોસેસ – પહેલાં ભૂસવાંનું પછી લખવાનું ! પછી કોઈક ભગવાનનું માણસ પેલાં મોટાં મોટા વિદ્યાર્થીમાંથી આવ્યું , મેં તેને મારી મૂંઝવણ જણાવી એણે મને પેલું મોટુ અપ્સરાનું રબર આપ્યું . મેં છેકીને લખ્યું અને ક્લાસ છોડ્યો . પણ રીક્ષા કાંઇ રાહ થોડી જોતી હોય આપણી , એ તો જતી રહે . મને ચોકીદારે મારુ મોઢું જોઈને જ પુછ્યું હશે કે શું થયું ! એમણે મને સાઇકલ આગળની એક્સટેન્શન વાળી સીટ પર બેસાડ્યો અને નીકળી પડ્યાં . રીક્ષામાં તો ધ્યાન હંમેશા મજાકમાં જ હોય એટલે આમ રસ્તો ખબર પણ આત્મવિશ્વાસ નહીં . છેવટે એને અને મને મારુ ઘર જડ્યું અને હું સાંગોપાંગ ઘરે પહોંચ્યો . બાળક સમય કરતાં મોડું આવે , રીક્ષામાં બે ને બદલે એક જ સંપેતરું પાછુ આવે ત્યારે ઘરનાં લોકની શું સ્થિતી હોય એ હવે સમજાય છે મને . ત્યારબાદ મેં મોઢામાં એકપણ અખાદ્ય ચીજ નાખી નથી .

આમ જયાં સુધી આપણે એક ઉંમરે શીખવી પડતી ચીજ ન શીખીએ ત્યાં સુધી કુદરત એ એકડો ઘૂંટાવ્યા જ કરે . મારુ હંમેશાં એવું માનવું રહ્યુ છે કે , કોઈ પણ વસ્તુ , વ્યક્તિ કે વૈભવ મેળવવા કે આપણી વાત મનાવવા ને સમજાવવા હવાતિયાં ન મારવા . હા પ્રયત્ન કરવો જ , બ્લડ ને સ્વેટ વાળો કરવો . પણ આ કુદરત પાસે હંમેશાં કાંઇક સારુ , સાચું અને વધું સુદ્રઢ ગોઠવેલું છે એવો વિશ્વાસ રાખવો . એક તકલીફમાંથી શીખવાનું શીખશો નહીં તો કોઈનાં કોઈ રૂપે એ એકડો ઘૂંટવાં તૈયાર જ રહેજો . મમત્વ અને મત નો ભેદ વહેલી તકે સમજી જવો જરુરી છે . અપરિગ્રહી રહેવું મને આ બાબતે ઉપયોગી નીવડેલ છે !

જીંદગી પુરી નથી થતી અહીંયા વ્હાલા , એકડા પછી બગડે બે…ય એમ બગડો ઘૂંટાવશે આ કુદરત !

ઓલ ધી બેસ્ટ .

तोहार लक तोहार हाथ में हैं भईया !

– માલવ